ભાવશ્રુતજ્ઞાન એ જ શુદ્ધનય છે. શુદ્ધનયનો વિષય જે દ્રવ્યસામાન્ય છે એનો અનુભવ એને જ શુદ્ધનય કહે છે. અને એજ જૈનશાસન છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાત્રનો વર્તમાનમાં ભાવશ્રુતજ્ઞાનરૂપ અનુભવ એ જૈનશાસન છે કેમકે ભાવશ્રુતજ્ઞાન એ વીતરાગી જ્ઞાન છે, વીતરાગી પર્યાય છે.
આત્માના અનુભવ વિના જીવ અનંતકાળથી જન્મમરણ કરીને-નરક-નિગોદનાં અનંતાનંત દુઃખોને પ્રાપ્ત થયો છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્ત્વોની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યક્ત્વ નથી. કળશ ટીકાના છઠ્ઠા કળશમાં આવે છે કે- સંસાર દશામાં જીવદ્રવ્ય નવતત્ત્વરૂપે પરિણમ્યો છે તે તો વિભાવપરિણતિ છે, માટે નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. એ ભેદોમાંથી એકરૂપ જ્ઞાયકભાવને- અબદ્ધસ્પૃષ્ટ આત્માને ગ્રહણ કરી અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. નવતત્ત્વમાંથી એકલો સામાન્ય જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન એવો આત્મા બહાર કાઢી લેવો અને તે એકને અનુભવવો તે સમ્યગ્દર્શન મૂળ ચીજ છે. જેમ આંબલીના ઝાડનાં પાન ઉપરઉપરથી તોડી લે પણ મૂળ સાબૂત રહે તો તે ઝાડ થોડા દિવસોમાં ફરીથી પાંગરે; તેમ ઉપરઉપરથી રાગ મંદ કરે પણ મૂળ મિથ્યાત્વ-પર્યાયબુદ્ધિ સાબૂત રહે તો ફરીથી રાગ પાંગરે જ. તેથી તો પ્રવચનસાર ગાથા ૯૩માં કહ્યું છે કે જેને પરથી ભિન્ન એકરૂપ જ્ઞાયકભાવની દ્રષ્ટિ નથી અને એક સમયની પર્યાયમાં રાગને જ પોતાનો માની રોકાઈ ગયો છે એ પર્યાયદ્રષ્ટિ મૂઢ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
આચાર્ય કહે છે કે- ‘परमम् महः नः अस्तु’ જ્ઞાન- પ્રકાશનો પુંજ ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને પ્રાપ્ત થાઓ. બીજી કોઈ ચીજ અમારે જોઈતી નથી. વ્યવહારરત્નત્રયનો રાગ અમારે જોઈતો નથી. એ રાગ તો અંધકારમય છે. અમને તો એ અંધકારથી ભિન્ન ચૈતન્યપ્રકાશ પ્રાપ્ત હો. ‘यत् सकलकालम् चिद–उच्छलन–निर्भरं’ જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. સૂર્ય જેમ જડ પ્રકાશનો પુંજ છે તેમ આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ છે, ચૈતન્ય પ્રકાશમય તેજથી ભરેલો છે. બહારનું આચાર્યપદ કે બીજી કે કોઈ ચીજની માગણી કરી નથી, પણ અંદરમાં જે ચૈતન્યસૂર્ય પ્રકાશપુંજ છે તે પર્યાયમાં પ્રાપ્ત હો એવી જ એક ભાવના પ્રગટ કરી છે.
ચક્રવર્તી છ ખંડ સાધવા જાય છે ત્યાં વચમાં વૈતાઢય પર્વત આવે છે. એમાં ગુફા આવે છે જેમાં ખૂબ જ અંધારું હોય છે. તથા મંગલા અને અમંગલા નામની બે નદી આવે છે. અમંગલાનો પ્રવાહ એવો કે કોઈ ચીજ પડે તો નીચે લઈ જાય અને મંગલાનો