૨૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહાહા...! અંદર ભગવાન એકરૂપ ચૈતન્યમહાપ્રભુ બિરાજે છે. એની વર્તમાન શ્રદ્ધામાં એને નવ પદાર્થ નિમિત્ત થાય છે તે વ્યવહાર શ્રદ્ધા છે, એ નિશ્ચય શ્રદ્ધા નામ સત્યાર્થ શ્રદ્ધાન નહિ. એને વ્યવહાર સમકિત કહો કે ઉપચાર સમકિત કહો કે ભેદરૂપ શ્રદ્ધાન કહો-બધી એક વાત છે. કેમકે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે માટે નવ પદાર્થો દર્શન છે-એમ અહીં વ્યવહાર દર્શાવ્યો છે.
હવે કહે છે- ‘છ જીવ-નિકાય ચારિત્ર છે.’ અહા! ભાષા તો જુઓ! છ કાયના જીવનો સમૂહ તે ચારિત્ર છે એમ કહે છે. આ વ્યવહારચારિત્ર-પંચમહાવ્રતાદિના વિકલ્પની વાત છે.
તો પછી છ જીવ-નિકાય ચારિત્ર છે એમ કેમ કીધું? કારણ કે એ વ્યવહારચારિત્રનો જે વિકલ્પ છે એનો આશ્રય છ જીવ-નિકાય છે. પંચ મહાવ્રતના પરિણામને ચારિત્ર ન કહેતાં એ પરિણામમાં છ જીવ-નિકાય નિમિત્ત છે તેથી છ જીવ-નિકાયને ચારિત્ર કીધું.
લ્યો, હવે એ ચારિત્ર કયાં ત્યાં (છ જીવ-નિકાયમાં) આવ્યું? ચારિત્ર તો અહીં (મહાવ્રતાદિના) પરિણામ-વ્યવહાર છે? પણ એ વ્યવહારના પરિણામનો આશ્રય-લક્ષ છ જીવ-નિકાય છે તેથી છ જીવ-નિકાય ચારિત્ર છે એમ કીધું છે.
અહા! જે એકેન્દ્રિય આદિ નથી માનતા એની તો અહીં વાત જ નથી. પણ આ તો નિગોદ સહિત એકેન્દ્રિય આદિ અનંતા અનંત છ કાયના જીવ છે એમ માને છે એની વાત કરી છે. તો કહે છે-છ જીવ-નિકાય ચારિત્ર છે, કારણ કે એનું વલણ છ કાયના જીવની અહિંસા-રક્ષા પર છે.
છ જીવ-નિકાયની અહિંસામાં તો એક અહિંસા મહાવ્રત જ આવ્યું? હા, પણ એક અહિંસા મહાવ્રતમાં બીજાં ચારેય સમાઈ જાય છે. બીજાં ચાર વ્રતો છે તે અહિંસાની વાડો છે, એ અહિંસા મહાવ્રતમાં આવી જાય છે તેથી અહીં છ જીવ- નિકાયની અહિંસાની એક જ વાત લીધી છે. આ પ્રમાણે છ જીવ-નિકાય ચારિત્ર છે એમ વ્યવહારે વ્યવહારચારિત્ર કીધું.
એ પ્રમાણે વ્યવહાર છે. એમ કે આચારાંગ આદિ શબ્દશ્રુત જ્ઞાન છે, જીવાદિ નવ પદાર્થ દર્શન છે, છ જીવ-નિકાય ચારિત્ર છે-આ સર્વ વ્યવહાર છે. આ વ્યવહારની વ્યાખ્યા કરી. તે નિષેધવા યોગ્ય છે તે પછી કહેશે.
હવે નિશ્ચયની વાત કરે છે. શું કહે છે? કે- ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (-શુદ્ધ આત્મા) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે.’