સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ] [ ૨૬૭
આ શબ્દશ્રુતજ્ઞાન છે તે વ્યવહાર છે. તે નિષેધ્ય છે એમ કહેવું છે. જે જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા આશ્રય-નિમિત્ત ન હોય અને શબ્દશ્રુત નિમિત્ત હોય એવું શબ્દશ્રુતજ્ઞાન નિષેધ કરવા લાયક છે એમ કહે છે. હવે કહે છે-
જીવ આદિ નવ પદાર્થો દર્શન છે. શું કીધું? જેમ શબ્દશ્રુત જ્ઞાન છે તેમ જીવાદિ પદાર્થ તે દર્શન છે. કેમકે જીવાદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય-નિમિત્ત-હેતુ છે, માટે નવ પદાર્થો દર્શન છે. એ વ્યવહાર છે. આ વ્યવહાર દર્શન નિષેધવા લાયક છે એમ અહીં કહેવું છે. ભાઈ! આમાં હવે પોતાની મતિ-કલ્પના ન ચાલે, પણ શાસ્ત્રનો શું અભિપ્રાય છે તે યથાર્થ સમજવું જોઈએ. અહા! કુંદકુંદ આદિ આચાર્યવરોએ નિશ્ચય અંતરંગ વસ્તુ આત્મા ને બાહ્ય પદાર્થોની સ્પષ્ટ વહેંચણી (-વિભાગ) કરી નાખી છે.
‘જીવાદિ નવ પદાર્થો...’ લ્યો, એમાં સંવર, નિર્જરા, મોક્ષ આવ્યા કે નહિ! હા, પણ ભેદવાળા આવ્યા ને? તેથી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે, કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. વ્યવહાર શ્રદ્ધાન-વ્યવહાર સમકિતનું નવ પદાર્થ નિમિત્ત આશ્રય-હેતુ- કારણ છે, માટે નવ પદાર્થ વ્યવહારે દર્શન છે. આવી વાત છે!
તો પછી ‘तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्’ એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે ને?
હા, ત્યાં એ નિશ્ચય સમકિતની વાત છે. નવ ભેદરૂપ પદાર્થોથી ભિન્ન શુદ્ધનયના બળ વડે પ્રાપ્ત અભેદ એકરૂપ જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્માનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન-એમ નિશ્ચય સમ્યગ્દર્શનની ત્યાં વાત છે. સમજાણું કાંઈ...?
‘जीवाजीवास्त्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम’-એમ સૂત્રમાં તત્ત્વાર્થોનું કથન કરતાં એકવચન છે ને? એનો આશય જ આ છે કે-નવ ભેદ નહિ, પણ નવ ભેદની પાછળ છુપાયેલ અભેદ એક જ્ઞાયકજ્યોતિસ્વરૂપ આત્માનું દર્શન તે સમ્યગ્દર્શન છે. અહા! એ નિશ્ચય શ્રદ્ધાન પ્રગટ થતાં જે નવ ભેદરૂપ પદાર્થ છે તે જાણવાં લાયક રહી જાય છે, પણ શ્રદ્ધાન તો એકનું-શુદ્ધ આત્માનું જ છે. આવી વાત છે!
અહીં તો નવ ભેદ જે છે તે નવ પદાર્થો કહેવા છે ને? એક (આત્મા) નહિ, પણ જીવાદિ નવ પદાર્થો દર્શન છે એમ કીધું ને? અહા! એ વ્યવહાર સમ્યગ્દર્શન છે, કેમકે તેનો (દર્શનનો) આશ્રય-નિમિત્ત ભેદરૂપ નવ પદાર્થ છે. વ્યવહાર સમકિતનો વિષય- આશ્રય-હેતુ-આધાર નવ છે.
તો પછી લોકો વ્યવહાર-વ્યવહાર (એમ મહિમા) કરે છે ને? બાપુ! અહીં તો એ નિષેધવા લાયક છે એમ કહે છે. આમ છે ત્યાં પ્રભુ! વ્યવહાર કારણ થાય ને એનાથી નિશ્ચયરૂપ કાર્ય થાય એ વાત કયાં રહી? અરે ભાઈ! અહીં તો તને સ્વ-આશ્રયનો-સ્વ-અવલંબનનો ઉપદેશ છે; એ જો તને ન ગોઠે અને પર- આશ્રયથી-પરાવલંબનથી લાભ થાય એમ તને ગોઠે તો એ તને ભારે નુકશાન છે ભાઈ! (એથી તો ચિરકાળ સુધી ચારગતિની જેલ જ થશે).