સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ] [ ૨૭૩
૧૧ મી ગાથામાં આવે છે ને? કે ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. અહા! સમકિત તો સમકિત સ્વતઃ છે, પણ તે ભૂતાર્થના આશ્રયે થાય છે અર્થાત્ ભૂતાર્થના આશ્રયે થાય તે સમકિત છે એમ વાત છે. ઝીણી વાત પ્રભુ! ભૂતાર્થના આશ્રયે થવાં છતાં જેમ એ દર્શનની પર્યાય દ્રવ્યમાં જતી નથી તેમ ત્રિકાળી દ્રવ્ય પ્રભુ આત્મા પણ દર્શનની પર્યાયમાં આવતું નથી. અહાહા...! પરસ્પર અડયા વિના સ્પર્શ્યા વિના શ્રદ્ધાની પર્યાયમાં આખા ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન આવી જાય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન પણ સમયે સમયે પલટતું હોવાથી, જો દ્રવ્ય શ્રદ્ધાનની પર્યાયમાં આવે તો આખો આત્મા (દ્રવ્ય) પલટી જાય. પણ એમ કદીય બનતું નથી. હવે આવી વાત કયાં મળે બાપુ? મહાભાગ્ય હોય તો કાને પડે એવી અલૌકિક વાત છે. અને જેનું પરિણમન સુલટી જાય એના ભાગ્યની તો શી વાત!
અહીં કહે છે-સમ્યગ્દર્શન-શ્રદ્ધાની પર્યાયનો આશ્રય-નિમિત્ત દ્રવ્ય છે, છતાં દ્રવ્ય અને શ્રદ્ધાની પર્યાય ભિન્ન છે; દર્શનની પર્યાયમાં દ્રવ્ય આવતું-સ્પર્શતું નથી અને જે ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ કરી છે તે દ્રવ્યમાં દર્શન જતું-સ્પર્શતું નથી. અહો! આવું અલૌકિક વસ્તુસ્વરૂપ છે.
લોકોને એમ કે નવતત્ત્વની શ્રદ્ધા કારણ ને નિશ્ચય સમ્યગ્દર્શન કાર્ય-તો એમ નથી ભાઈ! પણ શુદ્ધ આત્મા કારણ-આશ્રય છે ને નિશ્ચય સમ્યગ્દર્શન કાર્ય છે. આ યથાર્થ વસ્તુસ્વરૂપ છે. એ તો આગળ કહેશે કે નવતત્ત્વની શ્રદ્ધા-વ્યવહાર દર્શન નિષેધ્ય છે અને નિશ્ચય સમ્યગ્દર્શન એનો નિષેધક છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
હવે ત્રીજો બોલઃ- ‘શુદ્ધ આત્મા ચારિત્ર છે.’ એમ કેમ કહ્યું? કારણ કે શુદ્ધ આત્મા ચારિત્રનો આશ્રય છે. અહાહા...! પરમ પવિત્ર ત્રિકાળી એક શુદ્ધજ્ઞાયકભાવમય સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ચારિત્રનો આશ્રય છે. આ વીતરાગભાવરૂપ નિશ્ચય ચારિત્ર છે.
પહેલાં ‘છ જીવ-નિકાય ચારિત્ર છે’ એમ કહ્યું એ વ્યવહાર ચારિત્રની વાત છે કેમકે એનો આશ્રય ભગવાન આત્મા નથી પણ છ જીવ-નિકાય છે. ખરેખર જે આ વ્યવહાર ચારિત્ર છે તે વિકલ્પ છે, રાગ છે, બંધની પંક્તિમાં છે. જ્યારે આ વીતરાગ પરિણતિરૂપ નિશ્ચય ચારિત્ર છે તેનો આશ્રય-નિમિત્ત સ્વસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ આત્મા છે. તે અબંધ છે, મોક્ષનું કારણ છે. અહાહા...! સ્વસ્વરૂપના અવલંબને અતીન્દ્રિય આનંદરૂપી અમૃતરસથી છલકાતું-ઉભરાતું જે અંતરમાં પ્રગટ થાય છે તે નિશ્ચયચારિત્ર મોક્ષનું કારણ છે, પણ છ જીવનિકાયના વિકલ્પરૂપ વ્યવહારચારિત્ર છે તે મોક્ષનું કારણ નથી, પણ બંધનું કારણ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહારના વિકલ્પ આવે છે પણ તે નિષેધ કરવાયોગ્ય જ છે. આવી વાત છે?