Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2755 of 4199

 

સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ] [ ૨૭પ

‘એ પ્રમાણે નિશ્ચય છે.’ પહેલાં કહ્યું હતું ને કે- ‘એ પ્રમાણે વ્યવહાર છે’ એમ કે શબ્દશ્રુત જ્ઞાન છે, જીવાદિ નવ પદાર્થો દર્શન છે, છ જીવ-નિકાય ચારિત્ર છે’ -એ પ્રમાણે વ્યવહાર છે. મતલબ કે એ પ્રમાણે જૂઠું છે. વ્યવહાર છે એટલે જૂઠું છે, અસત્યાર્થ છે. અહીં કહે છે ‘- શુદ્ધ આત્મા જ્ઞાન છે, શુદ્ધ આત્મા દર્શન છે, શુદ્ધ આત્મા ચારિત્ર છે’ -એ પ્રમાણે નિશ્ચય છે. મતલબ કે એ પ્રમાણે સાચું છે, સત્યાર્થ છે. નિશ્ચય છે એટલે સત્યાર્થ છે કેમકે એ ત્રણેનો આશ્રય સ્વ છે, શુદ્ધ આત્મા છે.

૧૧ મી ગાથામાં વ્યવહારને અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે. અભૂતાર્થ કહ્યો માટે વ્યવહાર છે નહિ એમ નહિ. છે ખરો પણ એને ગૌણ કરીને ‘નથી’ એમ કહ્યું છે. ત્યાં તો મોક્ષમાર્ગની પર્યાયને પણ અસત્યાર્થ કીધી છે તે અભાવ કરીને નહિ પણ એને ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કીધી છે. આ પ્રમાણે વ્યવહાર નિષેધ્ય છે ને નિશ્ચય આદરણીય છે. સમજાણું કાંઈ...?

હવે કહે છે- ‘તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાન્તિક છે-વ્યભિચારયુક્ત છે;...

જુઓ, અજ્ઞાનીને તો એકલું રાગમય પરિણમન છે. તેને વ્યવહારેય હોતો નથી ને નિશ્ચયેય હોતો નથી. વ્યવહાર એને (-જ્ઞાનીને) હોય છે કે જેને નિશ્ચયસ્વરૂપ શુદ્ધ આત્માનાં દ્રષ્ટિ ને અનુભવ છે. અહા! તેને (-જ્ઞાનીને) જે ક્રિયા છે તેને વ્યવહાર કહીએ. અહીં કહે છે-એ વ્યવહાર એને (-જ્ઞાનીને) નિષેધ્ય છે. એ શબ્દશ્રુતનું જ્ઞાન, નવ તત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન અને છ જીવ-નિકાયની રક્ષાના વિકલ્પ અર્થાત્ પંચમહાવ્રતના પરિણામ એને (-જ્ઞાનીને) નિષેધ્ય છે, હેય છે-એમ કહે છે. કેમ? કેમકે એ મોક્ષનું કારણ નથી.

તો કેટલાક એને સાધન કહે છે ને? સમાધાનઃ– સાધન? વાસ્તવમાં એ સાધન છે નહિ. એને વ્યવહારથી-ઉપચારથી સાધન કહે છે એ બીજી વાત છે. શુદ્ધ રત્નત્રયધારીને અંદર જે સ્વરૂપસ્થિરતા થઈ છે તે ખરું વાસ્તવિક સાધન છે અને તે કાળે તેને જે વ્રતાદિનો રાગ છે તેને સહચર દેખીને ઉપચારથી વ્યવહારે સાધન કહેવામાં આવેલ છે. અહા! મહાવ્રતાદિના વિકલ્પને જે સાધન કહ્યું એ તો એને નિમિત્ત ને સહચર ગણીને, નિશ્ચયનો એમાં આરોપ દઈને ઉપચારથી વ્યવહાર કહ્યું છે; બાકી છે તો એ હેય, પ્રતિષેધ્ય જ. જુઓને! પં. શ્રી દોલતરામજીએ છહઢાલામાં શું કહ્યું? કે-

મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.