૨૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહા! એણે અનંતવાર મુનિપણાં લઈને વ્યવહારરત્નત્રય પાળ્યાં અને એના ફળમાં અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો; પણ આત્મદર્શન ને આત્મજ્ઞાન વિના એને લેશ પણ સુખ ન થયું. એટલે શું? કે એને દુઃખ જ થયું, એને સંસાર જ ઊભો રહ્યો. હવે આનો અર્થ શું? એ જ કે વ્યવહારરત્નત્રયના પરિણામ કલ્યાણનું-સુખનું સાધન નથી; બલકે બંધનું-દુઃખનું જ કારણ છે. તેથી તો કહે છે-વ્યવહાર પ્રતિષેધ્ય છે.
હવે આને ઠેકાણે પંચમહાવ્રતાદિ વ્યવહાર પાળો, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ માને એ તો તદ્ન ઉલટી શ્રદ્ધા થઈ ભાઈ! એ તો મિથ્યાશ્રદ્ધાન જ છે.
જુઓ, અહીં શું કહે છે? કે- ‘તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે-વ્યભિચારયુક્ત છે.’ તેમાં એટલે વ્યવહાર ને નિશ્ચય એ બેમાં વ્યવહાર નિષેધવાયોગ્ય છે એમ કહે છે. કેમ? કેમકે આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન હોય ને આત્મજ્ઞાન ન પણ હોય-એ પ્રમાણે શાસ્ત્રજ્ઞાનને જ્ઞાનનું આશ્રયપણું અનૈકાંતિક છે, દોષયુક્ત છે.
શું કીધું? કે શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયસ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે. અર્થાત્ શાસ્ત્રજ્ઞાન હોય એને આત્મજ્ઞાન હોય જ, નવ પદાર્થનું ભેદરૂપ શ્રદ્ધાન હોય એને નિશ્ચય સમ્યગ્દર્શન હોય જ અને મહાવ્રતાદિ પાળે એને નિશ્ચયચારિત્ર હોય જ એવો નિયમ નથી. કોઈને શાસ્ત્રજ્ઞાન અગિયાર અંગ અને નવપૂર્વ સુધીનું હોય અને છતાં આત્મજ્ઞાન નથી હોતું. અહા! જેમાં ભગવાન આત્માનું જ્ઞાન ન હોય તે જ્ઞાન કેવું? તે જ્ઞાન જ નથી. અહા! શબ્દશ્રુતજ્ઞાન તે જ્ઞાન, નવ તત્ત્વની શ્રદ્ધારૂપ દર્શન ને છ જીવ- નિકાયની દયાનો ભાવ તે ચારિત્ર-એમ ત્રણેય હોય છતાં, અહીં કહે છે, આત્માશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોવાનો નિયમ નથી. તેથી એ ત્રણેય વ્યવહાર નિષેધ કરવા લાયક છે.
શ્રીમદ્ રાજચંદ્રે લખ્યું છે કે- ‘અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ ઉપકારી નથી.’ અહાહા...! સમ્યક્ એકાંત એવું (નિજ શુદ્ધાત્માનું) નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય ત્યારે, પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાંસુધી, શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ, નવ તત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ અને પંચમહાવ્રતનો વિકલ્પ એને હોય છે અને એને વ્યવહારથી આરોપ આપીને સાધન કહેવામાં આવે છે. જે સાધન નથી એને સાધન કહેવું તે વ્યવહાર છે. આ પ્રમાણે દ્રવ્યપર્યાયને યથાસ્થિત જાણવાં તે અનેકાન્ત છે. અરે! નિશ્ચયથી થાય ને વ્યવહારથીય થાય એમ અનેકાન્તના નામે લોકોએ ખૂબ ગરબડ કરી નાખી છે. બાપુ! એ તો ફુદડીવાદ છે, મિથ્યા એકાન્ત છે ભાઈ! (નિશ્ચયથી જ થાય અને વ્યવહારથી ન થાય એ અસ્તિ- નાસ્તિરૂપ સમ્યક્ અનેકાન્ત છે). મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમા અધિકારમાં આનો ખૂબ ખુલાસો આવે છે.