૨૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અભાવ છે. આમાં શું સિદ્ધ થયું? કે નવતત્ત્વની શ્રદ્ધાથી સમકિત નથી પણ શુદ્ધ આત્મશ્રદ્ધાન તે સમકિત છે. અહા! જેમાં શુદ્ધ આત્માની પ્રતીતિ ન હોય તે સમકિત નહિ. સમકિતનો આધાર-આશ્રય શુદ્ધ આત્મા છે, નવ પદાર્થો નહિ.
તો તત્ત્વાર્થસૂત્રમાં આચાર્ય ઉમાસ્વામીએ ‘तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्’ કહ્યું છે ને?
હા, પણ ત્યાં એ નિશ્ચય સમકિતની વ્યાખ્યા છે. ત્યાં ‘તત્ત્વાર્થ’ ની વ્યાખ્યા કરતાં એકવચન લીધું છે ને? મતલબ કે નવતત્ત્વોથી ભિન્ન જે એક શુદ્ધ જ્ઞાયકજ્યોતિસ્વરૂપ પ્રભુ આત્મા અંદર પ્રકાશમાન છે તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે-એમ ત્યાં આશય છે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ નવ તત્ત્વનું શ્રદ્ધાન સમકિત કહ્યું એ અભેદથી કહ્યું છે. પણ અહીં તો ‘નવ પદાર્થો’ એમ બહુવચન છે તેથી એ ભેદરૂપ શ્રદ્ધાની વાત છે. અહીં કહે છે-એ નવ પદાર્થોના ભેદરૂપ શ્રદ્ધાનથી નિશ્ચય સમકિત થતું નથી.
અહા! ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવરૂપ આત્માનો જ્યાં અનુભવ ને દ્રષ્ટિ થયાં તેમાં બધાય નવતત્ત્વની શ્રદ્ધા આવી જાય છે, કેમકે અસ્તિપણે આ શુદ્ધ આત્મા નિશ્ચય જીવતત્ત્વ છે એવી પ્રતીતિમાં એ પર્યાયો નાસ્તિરૂપ છે એમ એકરૂપ દ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન આવી જાય છે. આ પ્રમાણે ‘तत्त्वार्थश्रद्धानम् सम्यग्दर्शनम्’ કહ્યું છે એ નિશ્ચય સમકિતની વ્યાખ્યા છે; અને ભેદરૂપ શ્રદ્ધાન તો બીજી ચીજ છે, સમકિત નહિ. સમજાણું કાંઈ...?
અહાહા...! પ્રભુ તું કોણ છો? સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે જેને આત્મા જાણ્યો છે તેવો ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છો. અહા! આવા આત્મસ્વરૂપની શ્રદ્ધા વિના નવ તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા નિરર્થક છે, કાંઈ વસ્તુ નથી. આકરી વાત પ્રભુ! વાડામાં-સંપ્રદાયમાં તો આ વાત છે નહિ. લોકો તો વ્યવહારને જ માર્ગ માની બેઠા છે. શું થાય? પણ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે-અમારી શ્રદ્ધા, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, સંવર-નિર્જરા-મોક્ષ આદિની ભેદરૂપ શ્રદ્ધા તો અભવ્ય પણ કરે છે, પણ એને કદીય સમ્યગ્દર્શન નથી. ભાઈ! આ તો અંદર છે એના અર્થ થાય છે. જેમ દશેરાથી દિવાળી સુધી ચોપડા મેળવે છે તેમ બાપુ! આ ભગવાનના ચોપડા સાથે તારી શ્રદ્ધાને મેળવ તો ખરો.
હવે ત્રીજી વાતઃ ‘છ જીવ-નિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે.’
શું કહે છે? કે આ છ કાયના જીવોની દયા પાળવી એ ચારિત્ર નથી; અહિંસાદિ પંચમહાવ્રતના ભાવ ચારિત્રનો આધાર નામ આશ્રય-નિમિત્ત-કારણ નથી.
ત્યારે કોઈ કહે છે-છ કાયની દયા પાળો એ ધર્મ છે.