સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ] [ ૨૮પ
અરે! સાંભળને બાપુ! એ તો વ્યવહાર નામ ઉપચાર છે; વાસ્તવિક નહિ. જુઓ, સર્વજ્ઞ વીતરાગ જૈન પરમેશ્વર કહે છે કે-સક્કરકંદ, ડુંગળી, લસણ વગેરેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને એક એક શરીરમાં અનંતા નિગોદના જીવો છે. અહા! આ જીવ અનંતકાળ ત્યાં (-નિગોદમાં) રહ્યો છે. ભગવાન! તું ભૂલી ગયો પણ અનંતકાળ તું નિગોદમાં રહ્યો છે. માંડ બહાર નીકળ્યો ત્યાં પરમાં (છ કાયની દયામાં) ગુંચાઈ ગયો. અહા! ભગવાન સર્વજ્ઞના શાસન સિવાય છ જીવ- નિકાયની કયાંય વાત નથી. પણ ભગવાન! તું છ જીવ-નિકાયમાં ગુંચાઈ-ભરાઈ પડયો! અનંતા નિગોદના જીવ, પૃથ્વીકાય, અપકાય આદિ એકેન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે બધા છ જીવ-નિકાય છે. અહીં કહે છે-એ છ જીવ- નિકાયની દયા એ શુભરાગ છે, ચારિત્ર નામ ધર્મ નહિ. આકરી વાત પ્રભુ! ભાઈ! એવી છ કાયની દયા તો અભવ્ય જીવ પણ પાળે છે, અને ભવ્ય જીવે પણ અનંતવાર પાળી છે. પણ એથી શું? તો-
-એમ આવે છે ને? હા, પણ એ કઈ દયા ભાઈ? એ આ છ કાયની દયા નહિ, પણ સ્વદયાની વાત છે. અહા! અંદર શુદ્ધ એક ચિદ્રૂપ ચૈતન્યરસકંદ આનંદકંદ પ્રભુ પોતે છે તેનો સ્વીકાર કરી તેમાં ઠરવું તે સ્વદયા છે ને તે સુખની ખાણ ને મુક્તિનો માર્ગ છે. બાકી આ છ જીવ-નિકાય કાંઈ ચારિત્રનો-ધર્મનો આશ્રય નથી. છ કાયની દયાનો ભાવ તો પર તરફના વલણવાળો ભાવ છે; તે શુભરાગ છે, ચારિત્ર નહિ.
અહા! મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે તેનો છ જીવ-નિકાય આશ્રય નથી. કેમ? કારણ કે તેના એટલે કે છ જીવ-નિકાયની દયાના સદ્ભાવમાં પણ શુદ્ધ આત્માના અભાવને લીધે અભવ્યોને ચારિત્રનો અભાવ છે. અહા! અભવ્યને છ જીવ-નિકાયની દયાના પરિણામ બરાબર હોય છે પણ એને ચારિત્ર કદીય હોતું નથી. કેમ? કેમકે શુદ્ધ આત્માનો તેને અભાવ છે, અર્થાત્ તેને કદીય શુદ્ધ આત્માનો-જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના ભગવાનનો-આશ્રય થતો નથી. અહા! એ છ કાયની દયા પાળે, એકેન્દ્રિય લીલોતરીનો દાણો પણ હણાય તો આહાર ન લે, પાણીનું એક બિંદુ જેમાં અસંખ્ય જીવ છે એને હણીને કોઈ ગરમ પાણી એના માટે બનાવે તો એ પ્રાણ જાય તોય ન લે. અહા! આવો એને દયાનો ભાવ હોય છે, પણ એને ચારિત્ર નથી કેમકે શુદ્ધ આત્માના આશ્રયનો એને અભાવ છે.
પ્રશ્નઃ– તો ધર્માત્મા પુરુષ છ જીવ-નિકાયની દયા પાળે છે ને?