૨૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
હવે ત્રીજી ચારિત્રની વાત લે છેઃ- ‘શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ-નિકાયના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે.’
જુઓ, જેને મોક્ષના કારણભૂત ચારિત્ર કહીએ તેનો આશ્રય એક શુદ્ધાત્મા જ છે, છ જીવ-નિકાય નહિ. અહાહા...! અંદર શુદ્ધ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છે તે એકમાં જ ચરવું-રમવું-ઠરવું એનું નામ ચારિત્ર છે.
અત્યારે તો કોઈ લોકો કહે છે કે-અટ્ઠાવીસ મૂલગુણ પાળે-એ શુભથી શુદ્ધ ઉપયોગ થાય.
અરે ભાઈ! એ (મૂળગુણના) શુભભાવની રાગની દિશા તો પર તરફ છે, ને આ ચારિત્રની દિશા સ્વ તરફ છે. હવે પર તરફની દિશાએ જતાં સ્વ તરફની દિશાવાળી દશા કેવી રીતે થાય? અહા! રાગમાંથી વીતરાગતા કેમ થાય? રાગમાં-દુઃખમાં રહેતાં અતીન્દ્રિય સુખ કેમ પ્રગટે? બાપુ! અતીન્દ્રિય સુખ તો અતીન્દ્રિય સુખનો સાગર ચિદાનંદઘન પ્રભુ આત્માના એકના આશ્રયે જ પ્રગટ થાય છે એમ અહીં કહે છે.
કોઈક દિ’ કાને પડે એટલે માણસને એમ લાગે કે આવો ધર્મ! આવો મારગ! પણ ભાઈ! વીતરાગ જૈન પરમેશ્વરે ચારિત્રનો-ધર્મનો આશ્રય એક શુદ્ધ આત્મા જ કહ્યો છે. અર્થાત્ છ જીવ-નિકાય ચારિત્રનો આશ્રય નથી. શું કીધું? પહેલાં પંચમહાવ્રતાદિ પાળે માટે પછી ચારિત્ર થશે એમ છે નહિ. જ્યારે એને ચારિત્ર થશે ત્યારે એક શુદ્ધ આત્માના જ આશ્રયે થશે; અર્થાત્ શુદ્ધ આત્માનો આશ્રય કરશે ત્યારે જ ચારિત્ર થશે.
અત્યારે તો લુગડાં ફેરવે કે નગ્ન થઈ જાય એટલે માને કે થઈ ગઈ દીક્ષા; ને કાંઈક ઉપવાસ કરે એટલે માને કે તપસ્યા ને નિર્જરા થઈ ગયાં. પણ એમ તો ધૂળેય દીક્ષા ને તપસ્યા નથી સાંભળને. દીક્ષા કાળે લુગડાં તો સહજ છૂટી જાય છે, છોડવાં પડતાં નથી લુગડાં છૂટવાની-અજીવની ક્રિયા તો અજીવમાં થાય છે. એને છોડે કોણ? વળી લુગડાંવાળા છે એ તો દ્રવ્યે કે ભાવે સાધુ જ નથી. આકરી વાત ભાઈ! દુનિયાથી મેળ ખાય, ન ખાય પણ વસ્તુ તો આ જ છે.
અહીં કહે છે-છ જીવ-નિકાયની દયાનો વિકલ્પ હોય કે ન હોય, શુદ્ધ આત્માના સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે. એટલે શું? કે છ જીવ-નિકાયની દયાનો વિકલ્પ ને પંચમહાવ્રતાદિનો વિકલ્પ એ કાંઈ વસ્તુ (ચારિત્ર) નથી. છ જીવ-નિકાયની દયાનો વિકલ્પ હોય તોપણ ચારિત્ર તો સ્વના આશ્રયે જે (નિર્મળ પરિણતિ) છે તે જ છે. શુદ્ધ આત્માના સદ્ભાવથી જ અર્થાત્ જેને શુદ્ધ આત્માનો આશ્રય છે તેને જ ચારિત્ર છે.