સમયસાર ગાથા ર૭૬-ર૭૭ ] [ ૨૯૧
અહા! જેનો એક જ્ઞાનસ્વભાવ છે એવા છ કાયના અનંતા જીવ આખા લોકમાં ઠસાઠસ ભર્યા છે. અહીં પણ અનંતા સૂક્ષ્મ જીવો છે. અહા! આવો આખા લોકનો જીવ સમૂહ જેમાં નિમિત્ત છે એવી દયાનો વિકલ્પ, અહીં કહે છે, ચારિત્ર નથી. દુનિયાથી ઘણો ફેર ભાઈ! દુનિયા તો માને કે પર જીવને ન હણો એટલે અહિંસા. અહીં કહે છે- ભગવાન! તું પોતે પોતાને ન હણે અર્થાત્ જેવો તું ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાનઘન પ્રભુ છે તેવો એને પોતાની દશામાં જાણવો, માનવો ને એમાં જ સ્થિર થઈ ડરવું એનું નામ અહિંસા-દયા છે. અહા! આનંદના નાથમાં રમણતા કરવી એનું નામ ચારિત્ર છે; આ સિવાય બધાં થોથેથોથાં છે. આવી વાત છે.
આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું, તથા છ કાયના જીવોની રક્ષા-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહાર નય તો નિષેધ્ય છે;...’
જુઓ, આચારાંગ આદિ વીતરાગ સર્વજ્ઞદેવે કહેલા શબ્દશ્રુતનું જાણવું એ વ્યવહાર જ્ઞાન છે, સત્યાર્થ નહિ. ભગવાનને નામે આચારાંગ આદિ નામ પાડી પાછળથી જે કલ્પિત શાસ્ત્ર રચવામાં આવ્યાં છે એનું જ્ઞાન તો વ્યવહારેય જ્ઞાન નથી, એ તો બધું કુજ્ઞાન છે. અહીં તો એમ કહે છે કે-સત્શાસ્ત્રોનું જ્ઞાન, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન અને છ કાયના જીવોની દયાનો ભાવ-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન-દર્શન-ચારિત્ર નથી હોતાં. અભવ્ય જીવ જે છે તે તો મોક્ષને લાયક જ નથી; પણ ભવ્ય જીવ વ્યવહાર ચારિત્ર પાળે એમાંથી એને નિશ્ચય ચારિત્ર થાય ને?
તો કહે છે-એમ છે નહિ. પરાશ્રયે કોઈ દિ’ ત્રણકાળમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય નહિ. પરાશ્રયે પરિણમે એને કાળલબ્ધિ આદિ હોય નહિ. સ્વ-આશ્રયે જ દર્શન- જ્ઞાન-ચારિત્ર થાય છે અને સ્વ-આશ્રયે પરિણમે એને જ કાળલબ્ધિ આદિ હોય છે.
જો એમ છે તો કરવું શું? આમાં કરવાનું તો કાંઈ આવતું નથી.
અરે ભાઈ! જે કરવું છે તે બધું અંદરમાં છે; અર્થાત્ શુદ્ધ ચૈતન્યમય પોતાની આત્મવસ્તુમાં ઢળવું ને તેમાં જ ઠરવું બસ આ કરવું છે. આ સિવાય બીજું કરવું બધું મિથ્યા છે, સંસાર વધારવા માટે જ છે.
જુઓ, અહીં શું કહે છે? કે વ્યવહારનય નિષેધ્ય છે. બાપુ! આ વ્યવહાર જેટલો છે એ બધો નિષેધ કરવા લાયક છે, કેમકે બંધનું કારણ છે. તેથી તો તેને અહીં બંધ અધિકારમાં નાખ્યો છે. હવે કહે છે-