સમયસાર ગાથા ર૭૮-ર૭૯ ] [ ૨૯પ
रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।। १७६।।
‘આવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इति स्वं वस्तुस्वभावं ज्ञानी जानाति] એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે [तेन सः रागादीन् आत्मनः न कुर्यात्] તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, [अतः कारकः न भवति] તેથી તે (રાગાદિકનો) કર્તા નથી. ૧૭૬.
ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્ય ભગવાન ગાથા કહે છેઃ-
‘જેવી રીતે ખરેખર કેવળ (-એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ...’
જુઓ, સ્ફટિકમણિ શુદ્ધ ઉજ્જ્વળ ધોળો હોય છે. વિ. સં. ૧૯૯૧ માં મોટો સ્ફટિકમણિ જોયો હતો. આપણે અહીં સ્ફટિકમણિની ઉજ્જ્વળ ધોળી-સફેદ પ્રતિમા છે ને? અહા! એવો સ્ફટિકમણિ સ્વભાવથી શુદ્ધ સફેદ ઉજ્જ્વલ હોય છે.
એ સ્ફટિકમણિ ખરેખર એકલો હોય, બીજાના સંગમાં ન હોય અર્થાત્ બીજાના સંબંધમાં ન હોય તો પોતે પોતાની મેળે રાગાદિરૂપે અર્થાત્ લાલાશ આદિરૂપે પરિણમતો નથી, પણ જેવો સ્વભાવ છે તેવો સફેદ ઉજ્જ્વલ જ પરિણમે છે. અહા! પલટવું એ એનો સ્વભાવ છે; પરિણમનસ્વભાવવાળો હોવાથી પ્રતિસમય પર્યાયપણે તે બદલે છે, પલટે છે; પણ એને ત્રિકાળ શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી એકલો પોતાની મેળે તે રાગાદિરૂપે-લાલાશ આદિરૂપે પરિણમતો નથી. શું કીધું? કે સ્ફટિકમણિ પોતે પોતાને લાલાશ આદિરૂપ પરિણમનનું નિમિત્ત-કારણ નથી અર્થાત્ એકલો સ્ફટિકમણિ પોતાની મેળે લાલાશ આદિરૂપ થાય એવો એનો સ્વભાવ નથી; અને તેથી એકલો પોતાની મેળે લાલાશ આદિરૂપે પરિણમતો નથી. હવે કહે છે-
‘પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચ્યુત થયો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે,...’