૨૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
જુઓ, એક નિર્મળ જેનો સ્વભાવ છે તેવો સ્ફટિકમણિ એકલો પોતાની મેળે રાતાદિરૂપે થતો નથી, પરંતુ પરદ્રવ્યના-લાલ-પીળા-ફૂલના સંગે એમાં લાલ-પીળી ઝાંય થાય છે. જુઓ, એમાં લાલ-પીળી ઝાંય જે થાય છે તે એની વર્તમાન દશાની યોગ્યતા છે, પણ લાલ-પીળા ફૂલને કારણે એ થઈ છે એમ નથી. લાલ-પીળા ફૂલથી જ જો એ ઝાંય થતી હોય તો લાકડામાં પણ થવી જોઈએ. પણ એમ બનતું નથી કેમકે એની એવી યોગ્યતા નથી; સ્ફટિકમણિમાં થાય છે એ એની પર્યાય યોગ્યતા છે.
તો ‘પરદ્રવ્ય વડે જ રાગાદિરૂપે પરિણમાવાય છે’ એમ લખ્યું છે ને?
ભાઈ! એ તો નિમિત્તની ભાષા છે. પોતે પોતાની વર્તમાન યોગ્યતાથી પરદ્રવ્યના નિમિત્તે-સંગે લાલાશ આદિરૂપ પરિણમે છે તો પરદ્રવ્ય વડે પરિણમાવાય છે એમ નિમિત્તથી કહેવાય છે. બાકી નિમિત્તે-પરદ્રવ્યે એમાં કાંઈ વિલક્ષણતા ઉત્પન્ન કરી છે એમ નથી. આવી વાત છે! સમજાણું કાંઈ...?
જુઓ, આ દ્રષ્ટાંત કહ્યું, હવે તેને આત્મામાં ઉતારે છેઃ-
‘તેવી રીતે ખરેખર કેવળ (-એકલો) આત્મા, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ...’
જુઓ, શું કહે છે? કે એકલો આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી. કેમ? કેમકે પોતાને ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું-કારણપણું નથી. અહાહા...! આત્મા પોતે પર્યાયરૂપથી બદલવાના સ્વભાવવાળો હોવા છતાં, શુદ્ધ-પવિત્ર સ્વભાવપણાને લીધે તેને રાગાદિ વિકારનું કારણપણું નહિ હોવાથી એકલો પોતાની મેળે રાગાદિ વિકારપણે પરિણમતો નથી.
લ્યો, આથી કેટલાક પંડિતો કહે કે-નિમિત્તથી થાય છે.
ભાઈ! નિમિત્ત બીજી ચીજ છે ખરી, પણ નિમિત્ત પરમાં કાંઈ કરે છે એમ નથી. જેમ પાણી ટાઢાનું ઉનું થાય છે એમાં અગ્નિ નિમિત્ત છે, પણ અગ્નિએ પાણી ઉનું કર્યું છે એમ નથી. એ (પાણી) ઉનું થવાની પોતાની લાયકાતથી ઉનું થયું છે અને ત્યારે અગ્નિ નિમિત્ત છે બસ. તેમ શુદ્ધ આત્માના આશ્રયે થતાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા-એમાં વ્યવહારનો રાગ નિમિત્ત હોય છે, પણ એ નિમિત્તે (-રાગે) અહીં નિશ્ચય સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર કર્યાં છે એમ નથી. જેમ અગ્નિએ પાણી ઉનું કર્યું નથી તેમ વ્યવહારે નિશ્ચય કર્યો નથી. આવી વાત છે. અત્યારે તો પંડિતોની દ્રષ્ટિમાં ઘણો ફેર છે. પણ દ્રષ્ટિ-ફેરે તો આખા શાસ્ત્રના અર્થ ફરી જાય ભાઈ!