સમયસાર ગાથા ર૮૦] [૩૦૭ અજ્ઞાની જાણતો નથી [तेन सः रागादीन् आत्मनः कुर्यात्] તેથી તે રાગાદિકને (-રાગાદિભાવોને) પોતાના કરે છે, [अतः कारकः भवति] તેથી (તેમનો) કર્તા થાય છે. ૧૭૭.
હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છેઃ-
‘યથોક્ત (અર્થાત્ જેવો કહ્યો તેવો) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના) શુદ્ધ સ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો નથી...’
અહાહા...! ભગવાન આત્મા એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ અતીન્દ્રિય આનંદનો રસકંદ છે. હવે આ એને કેમ બેસે?
પણ જેમ સક્કરકંદ-સક્કરિયું એકલી સાકરનો-મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા એકલા જ્ઞાન અને આનંદનો પિંડ છે. આ સક્કરિયું લોકો બાફીને નથી ખાતા? એમાં એક એક ઝીણી કટકીમાં અનંત અનંત જીવો છે. એની ઉપરની લાલ છાલ ન જુઓ તો અંદર ધોળો સાકરનો પિંડ છે. તેમ પર્યાયમાં થતા પુણ્ય-પાપરૂપ વિકલ્પોની છાલને ન જુઓ તો ભગવાન આત્મા અંદર એકલો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પિંડ છે. સક્કરિયાની વાત બેસે પણ આ બેસવું મહા કઠણ! કેમકે એણે કદી સાંભળ્યું નથી ને?
અહીં કહે છે-આવા પોતાના સ્વભાવને જ્ઞાની જાણે છે. અહાહા...! હું ચિદાનંદરસકંદ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એમ જ્ઞાની જાણે છે. અહા! આ પુણ્ય-પાપના ભાવ અને પુણ્યના ફળમાં પાંચ-પચાસ કરોડની સંપત્તિ-ધૂળ મળે એ મારા આનંદનું સ્થાન નથી પણ અંદર આનંદસ્વરૂપે જ સદા રહેલો એવો આનંદધામ પ્રભુ હું આત્મા છું એમ જ્ઞાની પોતાને જાણે-અનુભવે છે. અહા! આવા પોતાના સ્વરૂપને જાણતો-અનુભવતો જ્ઞાની શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો નથી.
અહા! જેને શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા જ્ઞાન-શ્રદ્ધાન ને અનુભવમાં આવ્યો તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ચ્યુત થતો નથી અર્થાત્ તેની દ્રષ્ટિ નિરંતર શુદ્ધ એક અખંડ ચિન્માત્રભાવ ઉપર જ રહે છે. અહાહા...! દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ એક ચિન્માત્રભાવ એના ઉપર જ એની નિરંતર દ્રષ્ટિ રહે છે.
તો શું એ અજીવાદિ પદાર્થોને ને વ્યવહારને જાણતો નથી? અરે ભાઈ! એ સર્વ જાણવાલાયક હો પણ વસ્તુને પામવામાં એ કાંઈ નથી.