૩૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ વસ્તુને પામવા તો પૂરણ વસ્તુ જે એક જ્ઞાન ને આનંદનું દળ તેની દ્રષ્ટિ ને અનુભવ કરવાં યોગ્ય છે. બીજું જાણપણું કાંઈ વિશેષ મહત્ત્વનું નથી. એ તો પહેલાં (ગાથા ૨૭૬- ૭૭ માં) આવી ગયું કે શબ્દશ્રુત તથા જીવ આદિ નવ પદાર્થોના સદ્ભાવ કે અસદ્ભાવમાં શુદ્ધ આત્માના સદ્ભાવથી જ જ્ઞાન-દર્શન છે; અર્થાત્ શુદ્ધ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન થાય છે, બીજા કોઈના આશ્રયે નહિ. ખૂબ ઝીણી વાત ભાઈ!
અહા! અનંતકાળમાં ચોરાસીના અવતારમાં રખડી રખડીને એણે પરિભ્રમણ જ કર્યું છે. કોઈવાર કદાચિત્ ભગવાન જિનવરની સ્તુતિ-ભક્તિમાં એ લાગ્યો પણ એણે ભગવાન જિનવરને ઓળખ્યા જ નહિ. અંદર સ્વસ્વરૂપને જાણ્યા વિના તે ભગવાન જિનવરને યથાર્થ કેમ જાણે? કેમકે અંદર સ્વ પોતે ને ભગવાન જિનવર બન્ને એક જ જાતિ છે.
જેમ દશા શ્રીમાળી વાણીયાને બે દીકરા હોય તેમાં એકને માંડ ૧૦૦ રૂપિયા પગાર મળતો હોય અને બીજાને કરોડોની સાહ્યબી હોય તોપણ બન્ને દશા શ્રીમાળી તરીકે એક જ જાતિના છે. તેમ ભગવાન આત્મા, એની પર્યાયમાં નિગોદથી માંડી ભલે એકેન્દ્રિય આદિ અનેક દશામાં હોય, પણ અંદર તો પોતે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ જ છે. અહા! ભગવાન જિનવરની જાત અને એની જાતમાં કાંઈ ફેર નથી એવો જ એનો શુદ્ધ સ્વભાવ છે. અહા! આવા શુદ્ધ સ્વભાવની અંર્તદ્રષ્ટિ કરીને એમાં જ જેણે એકાગ્રતા ને રમણતા સાધી છે તે જ્ઞાની પોતાના શુદ્ધસ્વભાવથી ખસતો જ નથી. અહા! તેની દ્રષ્ટિનો દોર એણે પોતાના શુદ્ધ ચૈતન્યપદમાં જ સ્થિત કર્યો છે.
અહો! સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે જેવો આત્મા જોયો ને કહ્યો છે તે એકલા શુદ્ધ જ્ઞાન ને આનંદરૂપી અમૃતરસથી ભરેલો છે. અહા! આવો જ એનો ત્રિકાળી શુદ્ધસ્વભાવ છે. આવા આત્માના આનંદનો રસ જેણે પીધો છે તે જ્ઞાનીને હવે પુણ્ય- પાપના ભાવમાં રસ નથી, તેને ઇન્દ્રિયના વિષયો પણ વિરસ-ફિક્કા લાગે છે. અહા! અતીન્દ્રિય રસનો રસિયો તે હવે આનંદરસથી ચ્યુત થતો નથી. જેમ સાકરનો ગાંગડો ચૂસતી માખી સાકરથી ખસતી નથી તેમ અતીન્દ્રિય આનંદરસનો રસિયો ધર્મી જીવ આનંદરસકંદ પ્રભુ આત્માથી ખસતો નથી. ભગવાન ત્રિલોકનાથ આને ધર્મ કહે છે. લોકો તો બહારમાં-પુણ્યભાવમાં ધર્મ માની બેઠા છે, પણ વિરસ-ફિક્કા એવા પુણ્યભાવનો તે ધર્મી પ્રેમ-રુચિ કેમ કરે? (ન જ કરે). સમજાણું કાંઈ...?
આવું અંતરંગ સ્વરૂપ સમજવું કઠણ પડે એટલે ‘પડિક્કમામિ ભંતે... જે જીવા એઇંદિયા વા બેંદિયા વા... તાવકાયં પાવકમ્મં દુચ્ચરિયં વોસ્સરામિ’ ઈત્યાદિ પાઠ ભણી જાય ને માને કે થઈ ગયો ધર્મ; પણ બાપુ! એ બધી શુભરાગની ક્રિયા છે ભાઈ! એ ધર્મ નહિ; ભગવાને કહેલો ધર્મ એ નહિ બાપા! અંદર અતીન્દ્રિય