સમયસાર ગાથા ર૮૦ ] [ ૩૦૯ આનંદરસકંદ પ્રભુ આત્મા છે તેમાં એકાગ્રતા થવી તે ધર્મ છે ભાઈ! અહીં કહે છે-ધર્મી પુરુષ પોતાના શુદ્ધ એક જ્ઞાનાનંદ સ્વભાવને છોડતો નથી. લૌકિકમાં પણ આવું બને છે ને? કે કોઈ વાણિયાનો દીકરો હોય ને વાઘરણથી પ્રેમ લાગ્યો હોય તો એનો પ્રેમ તે છોડતો નથી. તેમ આનંદના નાથની જેને લગની લાગી તે એની લય (લગની) છોડતો નથી. અહા! ધર્મીની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થતી નથી.
અહા! ધર્મી પુરુષ શુદ્ધસ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહરૂપ અર્થાત્ શુભાશુભભાવ કે ભ્રમણા આદિ ભાવરૂપે પોતાની મેળે પરિણમતો નથી. શુદ્ધ સ્વભાવના રસને લઈને સ્વભાવપણે-ચૈતન્યપણે પરિણમે છે પણ રાગ-દ્વેષ આદિ વિકારપણે તે પોતાની મેળે પરિણમતો નથી.
વળી કહે છે- ‘અને પર વડે પણ પરિણમાવાતો નથી.’
જુઓ આ ભાષા! એ તો પોતે પરિણમે તો પર વડે પરિણમાવાય છે એમ પર નિમિત્ત દેખીને વ્યવહારથી કહેવાય; પણ પરવસ્તુ એને બળજોરીથી પરિણમાવે છે એમ નથી. અહીં કહે છે- ‘પર વડે પણ પરિણમાવાતો નથી’ -એટલે પોતે જ પરિણમતો નથી ત્યારે પર નિમિત્ત પણ ત્યાં નથી એમ અર્થ છે. સમજાણું કાંઈ...? જૈન પરમેશ્વરનો મારગ બહુ ઝીણો છે ભાઈ! લોકો બહારમાં માની બેઠા છે પણ મારગ બધો અંદરમાં છે ભાઈ!
અહા! જેને સ્વસ્વરૂપમાં રસ જાગ્રત થયો છે તેને પરમાં કે પુણ્યમાં રસ નથી. તેથી તે રાગ-દ્વેષ-મોહના ભાવપણે પરિણમતો નથી. અહા! ધર્માત્માને બહારમાં-પુણ્યમાં કે પુણ્યના ફળમાં, સ્વર્ગાદિના વૈભવમાં કયાંય સુખબુદ્ધિ થતી નથી. જુઓ ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીને ઘરે ૯૬ હજાર રાણીઓ હતી. હજારો દેવતાઓ એની સેવામાં રહેતા. દેવોનો ઇન્દ્ર એનો મિત્ર થઈને આવે ને હીરાના સિંહાસનમાં જોડે બેસતો. અહા! અપાર વૈભવનો સ્વામી બહારમાં હતો પણ અંદર એમાં કયાંય એને રસ ન હતો; સ્વભાવથી ખસીને એને એ પુણ્યની સામગ્રીમાં પ્રેમ ને અધિકતા નહોતાં થતાં.
વીતરાગનો મારગ આવો છે બાપા! એક ગાથામાં તો કેટલું ભર્યું છે? અહા! જેણે દૂધપાકના સ્વાદ માણ્યા એને ઉકડિયામાં સ્વાદ કેમ આવે? કરવાનું તો આ છે ભાઈ! કે જ્ઞાનાનંદરસનો સમુદ્ર ભગવાન આત્મા છે તેનાં રસ-રુચિ કરીને તેનો જ અનુભવ કરવો. એમ કરતાં વીતરાગ માર્ગમાં પ્રવેશ થાય છે અર્થાત્ ધર્મની શરૂઆત થાય છે. જુઓને! આચાર્ય શું કહે છે? કે- ‘વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની...’ ; બહુ થોડામાં આ કહ્યું કે વસ્તુસ્વભાવને જે જાણે છે તે ધર્મી છે; અને તે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને પોતે શુભાશુભભાવપણે કે ભ્રમણાના ભાવપણે થતો નથી;