Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2791 of 4199

 

સમયસાર ગાથા ર૮૦ ] [ ૩૧૧ એટલે બીજો ગુંગો કાઢે અને દાંત હેઠે દબાવીને જીભ અડાડે. એ કહે કે-મને ગુંગાના સ્વાદની ટેવ પડી ગઈ છે.

અહીં આચાર્ય કહે છે-ભાઈ! અંદર અતીન્દ્રિય આનંદના રસનો સમુદ્ર ભગવાન આત્મા છે એને મૂકીને તું આ પુણ્ય-પાપરૂપ ગુંગાના સ્વાદ લે છે? એ શુભ-અશુભ ભાવ બેય નાકના મેલથીય બદતર મલિન છે. આ કહે છે-મને એની ટેવ પડી ગઈ છે. ત્યારે જ્ઞાની કહે છે-કે જેને અંતદ્રષ્ટિ થઈ છે એવા ધર્મી પુરુષને અતીન્દ્રિય આનંદના રસના સ્વાદ આગળ પુણ્ય-પાપના સ્વાદ સુહાવતા નથી; માટે તું પણ અંતદ્રષ્ટિ કર.

અહાહા...! ભગવાન જૈન પરમેશ્વર શું કહે છે? કે ભગવાન! તું શુદ્ધ ચિદાનંદરસનો સમુદ્ર છો ને નાથ! એમાં અંતર્નિમગ્ન થઈ અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ જેણે લીધો તે ધર્મીને હવે પુણ્ય-પાપના ભાવના સ્વાદ ગુંગાના સ્વાદ જેવા વિરસ- બેસ્વાદ ભાસે છે. હવે તે પુણ્ય-પાપના ભાવપણે થતો નથી; અને કર્મ તેને પુણ્ય- પાપરૂપ ભાવે પરિણમાવતું નથી. એ તો પોતે પરિણમે તો કર્મ પરિણમાવે છે એમ ઉપચારથી કહેવાય છે.

કોઈને થાય કે વીતરાગનો આવો ધર્મ! એને કહે છે કોઈ દિ’ બાપુ! તેં ધર્મ સાંભળ્‌યો નથી એટલે એમ લાગે છે પણ ભાઈ! મારગ આ જ છે. જૈન પરમેશ્વર ત્રિલોકીનાથ સીમંધર પરમાત્મા વર્તમાનમાં વિદેહમાં બિરાજે છે ત્યાંથી આવેલી આ વાત છે. કે-જ્ઞાની રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે-એવો નિયમ છે.

* ગાથા ૨૮૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે-આત્મા પોતે તો શુદ્ધ જ છે-દ્રવ્યદ્રષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદ્રષ્ટિએ પરદ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે પરિણમે છે;...’

આત્મા જ્ઞાની અર્થાત્ ધર્મી થયો ત્યારે એને સ્વસ્વરૂપને કેવું જાણ્યું? કે પોતે અંદર સ્વરૂપથી શુદ્ધ જ છે, એકાકાર પવિત્ર જ છે. આ જે વિકાર છે એ તો બહાર એની પર્યાયમાં છે, પણ અંદર વસ્તુ તો નિર્વિકાર શુદ્ધ જ છે. દ્રવ્યદ્રષ્ટિએ વસ્તુ (-આત્મા) અપરિણમનસ્વરૂપ છે.

દ્રવ્યદ્રષ્ટિએ આત્મા અપરિણમનસ્વરૂપ છે એટલે શું? કે વસ્તુ જે ત્રિકાળ છે તે, એક સમયની પરિણમનરૂપ-પલટાવા રૂપ જે દશા એનાથી ભિન્ન છે, જે પરિણમનરૂપ નથી તે અક્રિય અપરિણમનરૂપ છે. ત્રિકાળ ધ્રુવ વસ્તુમાં પલટના-પલટતી દશા નથી. પરમાત્મ પ્રકાશમાં (ગાથા ૬૮ માં) આવે છે ને કે-