૩૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહાહા...! જેને ત્રિકાળી કહીએ તે ભગવાન આત્મા જન્મ-મરણેય કરતો નથી કે બંધ-મોક્ષનેય કરતો નથી. અહા! દ્રવ્ય ત્રિકાળી પર્યાયને કરતું નથી એવું અપરિણમનરૂપ છે. પર્યાય જે પલટતી દશા છે તેમાં વિકાર છે, સંસાર છે ને મોક્ષનો મારગ ને મોક્ષ પણ એ પલટતી દશામાં-પર્યાયમાં છે, દ્રવ્યદ્રષ્ટિએ દ્રવ્યમાં બંધ-મોક્ષ આદિ છે નહિ એવું એ અપરિણમનરૂપ છે.
દ્રવ્ય એટલે વસ્તુ (ચૈતન્યમાત્ર) દ્રવ્ય; આ તમારા પૈસા-બૈસા તે દ્રવ્ય એમ નહિ; પણ વસ્તુ જે અંદર દેહથી ભિન્ન, પુણ્ય-પાપના વિકારથી ભિન્ન અને એક સમયની બંધ-મોક્ષરૂપ પર્યાયથી ભિન્ન અખંડ એકરૂપ રહેલી છે. તે દ્રવ્ય છે, એ દ્રષ્ટિએ એને જુઓ તો તે અપરિણમનરૂપ છે. જેમાં અજ્ઞાન-જ્ઞાનરૂપ કે મિથ્યાત્વ-સમ્યક્ત્વરૂપ પલટના નથી એવો ત્રિકાળ અનાદિ-અનંત શાશ્વત એવો ને એવો એકસદશ ચિન્માત્ર ભાવ રહેલો છે તે દ્રવ્ય (-આત્મા) અપરિણમનસ્વરૂપ છે.
આત્મામાં બે પ્રકારઃ એક ત્રિકાળ ધ્રુવતા ને એક વર્તમાન પલટતી દશા. આ વિચાર પલટે છે ને? એ એની પલટતી દશામાં છે; વસ્તુ જે ધ્રુવ ત્રિકાળ છે એમાં પલટના-બદલવું નથી.
અહા! આ દ્રવ્ય (ત્રિકાળી) જે છે એ પરને કરતું નથી, શરીર-મન-વાણી ઈત્યાદિનેય કરતું નથી અને પોતાની પર્યાયનેય એ કરતું નથી એવું એ અપરિણમનસ્વભાવી છે.
એને પર્યાયદ્રષ્ટિએ અર્થાત્ કર્મના નિમિત્તથી થતી વર્તમાન અવસ્થાની દશાથી જોઈએ તો પર્યાયમાં એ રાગાદિ વિકારરૂપે થાય છે અને મોક્ષમાર્ગરૂપ ધર્મદશારૂપે પણ તે થાય છે. મોક્ષમાર્ગ ને મોક્ષની દશા પણ એની પર્યાયમાં થાય છે. પણ દ્રવ્યદ્રષ્ટિએ એ બદલતું નથી એવું અપરિણમન સ્વરૂપ છે.
કોઈને એમ થાય કે હવે આમાં શું શીખવું? આ બે ઘડી સામાયિકને પડિક્કમણ ભણી લીધું એટલે થઈ ગયો ધર્મ. પણ બાપુ! એ તો રાગ છે ને ધર્મ તો એનાથી ભિન્ન વીતરાગ છે. ભાઈ! ધર્મ તો મહા અલૌકિક ચીજ છે ને તે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે.
‘उत्पादव्ययध्रौव्ययुक्तम् सत्’ એમ સૂત્ર છે ને? મતલબ કે એક ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય ને બીજી ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય-એમ આ વીતરાગનું કહેલું સત્ત્વ છે, એમાં નવી નવી અવસ્થા થાય તે ઉત્પાદ-વ્યયરૂપ છે. એને કર્મના નિમિત્તથી વિકાર થાય, ને વળી અવસ્થામાં કર્મનો અભાવ કરીને નિર્વિકારી ધર્મ થાય, એની અવસ્થામાં નિર્દોષ પૂર્ણ કેવળજ્ઞાન ને મોક્ષ થાય. આ બધું ઉત્પાદ-વ્યયરૂપ પલટતી દશામાં થાય