૩૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ને પરના લક્ષે દોરાઈ ગયો છે તેથી રાગદ્વેષમોહ આદિરૂપે પરિણમે છે. અહા! પરમાં ઈષ્ટ-અનિષ્ટપણું માની અજ્ઞાની પરના લક્ષે રાગદ્વેષાદિ-ભાવે પરિણમે છે.
૭૦ વર્ષ પહેલાં દુકાને સજ્ઝાયમાળા વાંચી હતી. એમાં એક સજ્ઝાયમાં આવે છે કે- ‘હોંશીલા મત હોંશ કીજીએ’ -મતલબ કે શુદ્ધ આત્મા સિવાય પરવસ્તુમાં-શરીર, મન, વાણી, બાયડી, છોકરાં, પૈસા, આબરૂ ઈત્યાદિમાં-હોંશ ન કર ભાઈ! બાપુ! એ બધાં દુઃખ ને પાપનાં નિમિત્ત છે. માણસને બાયડી રૂપાળી હોય ને પૈસા દસ-વીસ લાખ મળી જાય એટલે ઓહોહોહો... જાણે હું પહોળો ને શેરી સાંકડી એમ થઈ જાય, પણ બાપુ! એ બધા મોહ-રાગ-દ્વેષના પરિણામ તને નીચે લઈ જશે ભાઈ!
અહીં પરમાત્મા જગતને ફરમાવે છે કે-પ્રભુ! તને તારી ચીજની ખબર નથી. અનંત અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીથી ભરેલી તારી ચીજ છે. પણ હા! તું એનાથી ભ્રષ્ટ થઈ ગયો છો. કોઈ કર્મે તને ભ્રષ્ટ કર્યો છે એમ નહિ, પોતાના સ્વરૂપને ઓળખ્યા વિના તું ભ્રષ્ટ થઈ ગયો છો. અહા! ‘અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા.’ પોતાની ચીજને ભૂલીને, પરવસ્તુને ભલી-બુરી જાણી રાગાદિભાવે પરિણમતો, એનો કર્તા થતો થકો અનાદિ સંસારથી હેરાન થઈ રહ્યો છો.
અહા! પોતાના પરમેશ્વર (સર્વ સામર્થ્ય ધરનાર) આત્માને ભૂલીને કર્મની ઉપસ્થિતિમાં (નિમિત્તે) સ્વયં રાગ-દ્વેષ-મોહાદિ ભાવોરૂપે પરિણમતો અજ્ઞાની તે રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થાય છે અને તેથી તે કર્મોથી બંધાય જ છે-એવો નિયમ છે. લ્યો, આ સંસારમાં રઝળવાનું બીજડું.
પહેલાં ગાથા ૨૮૦માં એમ આવ્યું કે-પોતાના સ્વભાવને જાણતો જ્ઞાની રાગ- દ્વેષમોહાદિ ભાવોનો અકર્તા જ છે-એવો નિયમ છે. અહીં કહે છે-પોતાના પરમેશ્વર સ્વભાવને નહિ જાણતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થાય છે અને તે બંધાય જ છે-એવો નિયમ છે. અહા! અજ્ઞાનીએ અનંતકાળમાં બહારમાં શાસ્ત્રો વગેરે ખૂબ જાણ્યાં, પણ પોતાને જાણ્યા વિના એ શું કામ આવે? એ જાણપણું તો બધું થોથાં છે ભાઈ! અજ્ઞાની બહારમાં વ્રત કરે ને ઉપવાસ આદિ તપ કરે ને રોજ સવાર-સાંજ પડિક્કમણ કરે, પણ એ બધી રાગની ક્રિયાઓ છે બાપા! એને તું ધર્મ માને એ તો મિથ્યાદર્શન છે ભાઈ! એ રાગની ક્રિયાઓનો કર્તા થાય એ મિથ્યાદ્રષ્ટિ છે ને તે અવશ્ય બંધાય જ છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
‘અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજી પરિણમે છે,...’
શું કીધું? કે અજ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિ નથી. તેને અનાદિથી પર્યાયબુદ્ધિ છે