Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2799 of 4199

 

સમયસાર ગાથા ર૮૧ ] [ ૩૧૯ અર્થાત્ વર્તમાન પર્યાયમાં જે પુણ્ય-પાપ થાય અને એના ફળ જે આવે તે હું એમ એની પર્યાય ઉપર દ્રષ્ટિ છે. અહા! પોતે અંદર જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે એની એને ખબર નથી તેથી વર્તમાનમાં સહેજ અનુકૂળતા ભાળીને ‘આ ભવ મીઠો, પરભવ કોણે દીઠો? -એમ એને પર્યાયબુદ્ધિ થઈ જાય છે. તેમાંય વળી શરીર કાંઈક રૂપાળું હોય, બાયડી-છોકરાં સાનુકૂળ હોય ને પાંચ-પચીસ કરોડની સંપત્તિ મળી જાય તો બસ થઈ રહ્યું. એમાંથી એને નીકળવું ભારે આકરું પડે. પણ ભાઈ! મરી જઈશ હોં એમાં. એમ ને એમ મરી જઈશ બાપુ!

એક રે દિવસ એવો આવશે, સોડ તાણીને સૂતો;
કાઢો રે કાઢો એને સહુ કહે, જાણે જન્મ્યો જ ન હોતો.
સગી નારી રે તારી કામની, એ ઊભી ટગ-ટગ જુએ;
કાયામાં હવે કાંઈ નથી, ઊભી ધ્રુસકે રે રૂએ. એક રે દિવસ.

અહા! આ જગત આખું વિષય-કષાયની ભીંસમાં પડેલું દુઃખી-દુઃખી છે ભાઈ! અહીં કહે છે-અજ્ઞાની પોતાની ચિદાનંદમય સ્વરૂપલક્ષ્મીને જાણતો નથી અને કર્મના ઉદય નિમિત્તે જે ભાવો થાય છે તેને તે પોતાના માની પરિણમે છે. શું કીધું? કે એના સ્વરૂપમાં તો પુણ્ય-પાપ આદિ છે નહિ, પણ કર્મ નિમિત્ત હોતાં પોતાના પુરુષાર્થની ઉંધાઈથી પર્યાયમાં પુણ્ય-પાપ આદિ ભાવો થાય છે; અજ્ઞાની તેને પોતાના માને છે. અહા! નિમિત્તને આશ્રયે એને રાગ-દ્વેષ-મોહાદિ ભાવો થાય છે તેને તે પોતાના માને છે. અંદર ચીજ પોતાની ભાળી નથી ને? તેથી પરચીજમાં-રાગદ્વેષમોહાદિ ભાવોમાં-આ હું- એમ પોતાપણું માને છે, અને તેમાં તદ્રૂપ થઈ પરિણમે છે.

‘માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે-એવો નિયમ છે.’ આ પ્રમાણે અજ્ઞાની સંસારમાં રઝળી મરે છે.

[પ્રવચન નં. ૩૪૧*દિનાંક ૧૪-પ-૭૭]