૩૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ લક્ષ કરે છે તે એને વિકારનું-રાગાદિનું કારણ છે. પોતાનું સ્વરૂપ છે એનો સ્વ-સ્વામી સંબંધ ન કરતાં જે સ્વરૂપમાં નથી એવા પરદ્રવ્યો ને પુણ્ય-પાપના ભાવોમાં સ્વામિત્વની પ્રતીતિ કરે છે તેથી એને રાગ થાય છે ને બંધન થાય છે; એમાં પરદ્રવ્ય નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ છે એટલે એમ નહિ કે પરદ્રવ્ય એને નિમિત્તકારણ થઈને રાગ કરાવે છે, પણ પોતે પરદ્રવ્યના લક્ષે પરિણમે છે તેથી રાગ થાય છે એમ અર્થ છે. સમજાણું કાંઈ...?
અહિં કહે છે-આત્મા સ્વભાવથી રાગાદિનો અકારક જ છે. હવે તેનું કારણ આપે છે કે જો એમ ન હોય અર્થાત્ જો આત્મા પોતાથી જ રાગાદિભાવોનો કારક હોય તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહિ. શું કીધું? કે આત્મા સ્વભાવથી જ જો શુભાશુભ ભાવોનો કર્તા હોય તો ભગવાને, દ્રવ્ય-ભાવનું પ્રતિક્રમણ કર, દ્રવ્ય-ભાવનું પ્રત્યાખ્યાન કર-એમ જે બે પ્રકારે (દ્રવ્યભાવનો) ઉપદેશ કર્યો છે તે બની શકે નહિ. દ્રવ્ય એટલે સંયોગી ચીજ ને ભાવ એટલે શુભાશુભ વિકાર-એમ બેયથી પાછા ફરવાનો ને બેયના પચખાણનો જે ભગવાનનો ઉપદેશ છે તે બની શકે નહિ કેમકે આત્મા સ્વભાવથી જ રાગાદિનો કારક હોય તો તે રાગાદિથી કેવી રીતે પાછો ફરે? એનું પચખાણ કેવી રીતે કરે?
ખરેખર તો બેયથી (દ્રવ્ય ને ભાવથી) પાછું હટવું-એવો ભગવાનનો ઉપદેશ છે. પણ રાગાદિનો જો આત્મા ખરેખર કર્તા હોય તો એનાથી પાછું હઠવું હોઈ શકે નહિ. આ ન્યાયનો જરી ઝીણો વિષય છે.
પહેલાં કહ્યું કે આત્મા ત્રિકાળી ધ્રુવ એકલો ચૈતન્યબિંબ પ્રભુ રાગદ્વેષાદિ વિકારના ભાવોનો પોતાના સ્વભાવથી અકારક જ છે. હવે કહે છે-જો એમ ન હોય તો, ભગવાનના ઉપદેશમાં જે એમ આવ્યું કે-ભાવ એટલે શુભાશુભ વિકાર અને દ્રવ્ય એટલે એ વિકારનું નિમિત્ત બાહ્યચીજ-એ બેયથી પાછો હઠ-એ બની શકે નહિ. વિકાર જો એનું સ્વરૂપ જ હોય તો એનાથી પાછા હઠવાનું કેમ બની શકે?
શું કીધું? આમાં ન્યાય સમજાય છે? જે સંયોગી ચીજ વિકારમાં નિમિત્ત છે તેને દ્રવ્ય કહીએ અને પર્યાયમાં જે વિકાર છે તેને ભાવ કહીએ. હવે ભગવાને ઉપદેશમાં એમ કહ્યું કે દ્રવ્ય-ભાવ બેયથી ખસી જા, અર્થાત્ વિકારનું નિમિત્ત જે બાહ્યચીજ એનાથી ખસી જા ને વિકારથીય હઠી જા. પરંતુ આત્મા જો સ્વભાવથી જ વિકારનો ને નિમિત્તનો કર્તા હોય તો ‘એનાથી, પાછો હઠી જા’ -એમ ઉપદેશ હોઈ શકે નહિ. માટે એમ નક્કી થયું કે વિકાર ને વિકારના નિમિત્તનું કરવાપણું સ્વભાવથી આત્માને છે જ નહિ અર્થાત્ આત્મા અકારક જ છે; અને તેથી જ દ્રવ્ય-ભાવ-બેયથી પાછો હઠી જા એમ ભગવાનનો ઉપદેશ છે. સમજાણું કાંઈ...?