૩૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
પ્રશ્નઃ– આનાથી બીજો કોઈ સહેલો મારગ છે કે નહિ? ઉત્તરઃ– આ જ સહેલો છે; જે રીતે હોય તે રીતે સહેલો હોય કે જે રીતે ન હોય તે રીતે સહેલો હોય? ભાઈ! મારગ આ જ છે, ને આ જ સહેલો છે.
હવે કહે છે- ‘તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને (-પરદ્રવ્યને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી નૈમિત્તિકભૂત ભાવને (-રાગાદિ ભાવને) પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી, અને જ્યાં સુધી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચખતો નથી ત્યાં સુધી કર્તા જ છે.;...’
જુઓ, શું કીધું? ‘તોપણ...’ એટલે કે આત્મા સ્વભાવથી તો અકારક જ છે તોપણ જ્યાં સુધી તે નિમિત્તભૂત પરદ્રવ્યને પ્રતિક્રમતો નથી, પચખતો નથી અર્થાત્ પરદ્રવ્યના લક્ષથી હઠતો નથી અને એનું લક્ષ છોડતો નથી ત્યાં સુધી તે નૈમિત્તિકભૂત રાગાદિ ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી. અહા! તે અનાદિથી પરદ્રવ્યના લક્ષમાં દોરાઈ ગયો. જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે તેમાં ન આવતાં પરદ્રવ્ય-નિમિત્તમાં એ ઘેરાઈ ગયો છે. આ કરું ને તે કરું, દયા પાળું ને વ્રત કરું ને પૂજા કરું ને ભક્તિ કરું- એમ પરદ્રવ્યના લક્ષે એ ગુંચાઈ પડયો છે. અને એ પ્રમાણે નિમિત્તભૂત પરદ્રવ્યના લક્ષથી જ્યાં સુધી તે હઠતો નથી ત્યાં સુધી નૈમિત્તિક રાગાદિથી પણ તે હઠતો નથી. અહા નિમિત્તનું લક્ષ એ છોડતો નથી તો એના સંબંધે થતા વિકારને પણ એ છોડતો નથી. આવી વાત છે!
અહા! તે સ્વ-લક્ષ કરતો નથી ને પરના લક્ષમાં જાય છે તો અવશ્ય તેને વિકાર થાય જ છે. જ્યાં સુધી પર-લક્ષથી પાછો ફરતો નથી ત્યાં સુધી નૈમિત્તિક વિકારથી પણ તે પાછો ફરતો નથી.
આમાં આવ્યું ને? કે- ‘જ્યાં સુધી નિમિત્તભૂત પરદ્રવ્યને છોડતો નથી...’ હવે એમાંથી લોકો એમ અર્થ કાઢે છે કે પરદ્રવ્યને છોડો તો પરદ્રવ્યના સંબંધનો વિકાર છૂટી જશે; માટે પરદ્રવ્ય છોડો, છોડો એમ કહે છે. પરંતુ અહીં તો પરદ્રવ્યનું લક્ષ છોડે ત્યારે એના લક્ષે જે વિકાર થતો હતો એને પણ છોડે છે-એમ કહેવું છે. લ્યો, આવો ફેર છે. સમજાણું કાંઈ...! શરીરાદિ પરદ્રવ્યને છોડવું નથી પણ એનું લક્ષ છોડવું છે એમ વાત છે. (પરદ્રવ્ય તો છૂટું જ છે).
અહાહા...! કહે છે-જ્યાં સુધી નિમિત્તભૂત પરદ્રવ્યને (એનું લક્ષ) પ્રતિક્રમતો નથી, પચખતો નથી ત્યાં સુધી તે નૈમિત્તિક પુણ્ય-પાપના ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી; અહા! પરદ્રવ્યનું લક્ષ રહે ત્યાં સુધી તો શુભાશુભ વિકાર જ થાય. અને જ્યાંસુધી તે વિકારના ભાવને પ્રતિક્રમતો નથી, પચખતો નથી ત્યાં સુધી તે કર્તા જ છે. અહા! અજ્ઞાની રાગદ્વેષ-ભાવોનો કર્તા જ છે. વસ્તુનો સ્વભાવ અકર્તા