૩૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ છે તેમને નિર્દોષ આહારદાન દેનાર માટે વ્યવહારે એમ કહ્યું છે. મોક્ષમાર્ગમાં એને બાહ્ય સહકારી જાણી વ્યવહારથી શાસ્ત્રમાં એમ કહેલું છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
અહા! એ તો પહેલાં આવી ગયું કે-દ્રવ્ય એટલે ભૂત અને ભવિષ્યનું નિમિત્તભૂત પરદ્રવ્ય ને ભાવ એટલે એના નિમિત્તે થતો નૈમિત્તિકભૂત વિકાર-એને જે છોડતો નથી એને અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન વર્તે છે. અહીં એ દ્રવ્ય-ભાવના નિમિત્ત- નૈમિત્તિકપણાનું દ્રષ્ટાંત આપ્યું છે-કે મુનિરાજ, નિમિત્તભૂત દ્રવ્ય જે ઉદ્દેશિક આહાર તેને ગ્રહણ કરે તો તે નૈમિત્તિકભૂત બંધ ભાવને પચખતો નથી, અર્થાત્ તેને પાપબંધ અવશ્ય થાય છે. અને ગૃહસ્થ કે જે મહારાજને આજે આહાર દેવો છે એમ વિચારીને આહાર- પાણી મહારાજ માટે તૈયાર કરે છે તે પણ પાપ જ ઉપજાવે છે. આવું છે ભાઈ! હવે કહે છે-
‘તેમ સમસ્ત પરદ્રવ્યને નહિ પચખતો આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખતો નથી.’
આ, ઉદ્દેશિક આહારનો દાખલો દીધો ને હવે કહે છે-તેમ જે સમસ્ત પરદ્રવ્યનું લક્ષ છોડતો નથી તે તેના નિમિત્તે થતા વિકારના-રાગદ્વેષમોહના ભાવને છોડતો નથી અર્થાત્ તેને બધું અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન જ છે.
લોકોને હવે ખ્યાલ આવી ગયો છે કે આ ઉદ્દેશિક આહાર છે તે પાપ છે. પણ હવે કરવું શું? અંદરમાં કાંઈ ક્રિયા (શુદ્ધોપયોગની) છે નહિ અને બહારમાં ત્યાગ લઈ લીધો. પણ ભાઈ! એ મારગ નથી.
ત્યારે કોઈ વળી કહે છે-આપ (-કાનજીસ્વામી) થોડું મોળું મૂકો અને અમે કાંઈક મોળું મૂકીએ એટલે આપણે એક થઈ જઈએ.
પરંતુ ભાઈ! આ તો વીતરાગનો મારગ બાપુ! આમાં મોળું મૂકવાનો ક્યાં અવકાશ છે? વસ્તુના સ્વરૂપમાં બાંધછોડ શું? એ તો જેમ છે તેમ જ છે. હવે તત્ત્વદ્રષ્ટિની ખબર ન મળે ને બહાર ક્રિયાકાંડમાંય ઠેકાણાં ન મળે ને કહે કે-મોળું મૂકો. અરેરે! એણે મારગને વીંખી નાખ્યો છે!
ભગવાન કુંદકુંદાચાર્ય તો બહુ મોટેથી પોકારીને કહે છે કે સાધુ માટે ઉનું પાણીય બનાવેલું હોય એને એ લે ને દેનારો દે-એ બેય પાપને બાંધે છે. ભાઈ! આ કોઈ વ્યક્તિની વાત નહિ બાપા! આ તો ભગવાનનો મારગ આવો છે એમ વાત છે. જેનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન કરવું છે તે મારગ આવો છે. સમજાણું કાંઈ....? હવે કહે છે-
‘વળી અધઃકર્મ આદિ જે પુદ્ગલદ્રવ્યના દોષો તેમને આત્મા ખરેખર કરતો