Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2836 of 4199

 

૩પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

‘જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદિભાવો પણ થાય છે, તે તેમનો કર્તા પણ થાય છે અને તેથી કર્મનો બંધ પણ કરે છે;.....’

જોયું? જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે એટલે પરદ્રવ્યના લક્ષે પરિણમે છે તેને રાગદ્વેષાદિભાવો થયા વિના રહે નહિ અને તેનો તે કર્તા થઈ પરિણમે છે તેથી કર્મનો બંધ પણ કરે છે. અજ્ઞાની આ રીતે કર્મનો બંધ કરે છે.

‘જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી, તેથી રાગાદિરૂપ પરિણમન પણ નથી અને તેથી આગામી બંધ પણ નથી. (એ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી).’

જુઓ, આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને પરદ્રવ્ય ગ્રહણ કરવાનો રાગ નથી. અહીં અત્યારે ઉત્કૃષ્ટ મુનિપણાની વાત છે. તેથી, કહે છે, તેને રાગાદિ પરિણમન પણ નથી, પરદ્રવ્ય ઉપરનું લક્ષ નથી તો તત્સંબંધી રાગાદિ પરિણમન પણ નથી. તેથી તેને આગામી બંધ પણ નથી. એને નવો બંધ થતો નથી.

આ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી. અહા! સમસ્ત પરદ્રવ્યના લક્ષને છોડતો જ્ઞાની તેના નિમિત્તે થતા રાગને છોડી દે છે અને તેથી તે કર્તા નથી. જ્યાંસુધી અસ્થિરતા છે ત્યાંસુધી કિંચિત્ પરદ્રવ્યના લક્ષે રાગનું પરિણમન હોય છે, પણ અહીં તો સર્વ પરદ્રવ્યના લક્ષને છોડતો પૂરણ સ્વના આશ્રયે પરિણમતો તે સર્વ અસ્થિરતાને છોડી દે છે ને પૂર્ણ વીતરાગ થઈ જાય છે એમ વાત છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જેમાં પરદ્રવ્યને ત્યાગવાનો ઉપદેશ કરે છેઃ-

* કળશ ૧૭૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इति’ આમ (પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું) ‘आलोच्य’ વિચારીને.......

શું કહ્યું એ? કે આત્મા છે એ સ્વદ્રવ્ય છે. અહાહા....! આઠ કર્મથી રહિત અંદર અનુપમ ચિદ્ઘન-જ્ઞાનઘન, એક જ્ઞાન જેનું શરીર છે એવો ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. અને એના સિવાય આ શરીર-વાણી-કર્મ, સ્ત્રી-પુત્ર-પરિવાર કે દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ બધું પરદ્રવ્ય છે. ભાઈ! જેને આત્માનું કલ્યાણ કરવું હોય એણે પરદ્રવ્ય ત્યાગવું જોઈએ એટલે કે પરદ્રવ્ય જે નિમિત્ત-આશ્રય છે તેનું લક્ષ છોડવું જોઈએ; કેમકે પરદ્રવ્યનો આશ્રય-લક્ષ કરવાથી રાગાદિ વિકાર થાય છે. સ્વદ્રવ્યનો આશ્રય છોડીને પરદ્રવ્યનો આશ્રય-લક્ષ કરે છે તેને એના નિમિત્તે નૈમિત્તિક રાગદ્વેષમોહના ભાવ થાય છે.

અહાહા....! પરદ્રવ્ય નિમિત્ત છે અને પોતાનો રાગદ્વેષમોહનો ભાવ નૈમિત્તિક છે એમ વિચારીને ‘तद्–मूलां इमाम् बहुभावसन्ततिम् समम् उद्धर्तुकामः’ પરદ્રવ્ય જેનું