Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2837 of 4199

 

સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩પ૭ મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ.......

શું કીધું? કે વિકારના-દુઃખના ભાવો-ચાહે પુણ્ય હો કે પાપ હો-એ બહુભાવોની સંતતિનો પ્રવાહ જે ચાલી રહ્યો છે તેનું મૂળ કારણ પરદ્રવ્ય એટલે પરદ્રવ્યનું સ્વામીપણું છે. પરદ્રવ્યના નિમિત્તે પોતામાં જે વિકાર થાય તેનો એ સ્વામી થાય એ એની સંતતિનું મૂળ છે.

પાઠ તો એમ છે કે- ‘પરદ્રવ્ય જેનું મૂળ છે’ -કોનું? કે બહુભાવ-સંતતિનું. જેમ દીકરાનો દીકરો, એનો દીકરો-એમ વંશપરંપરા ચાલે તેમ રાગદ્વેષમોહના બહુભાવોનો સંતતિ-પ્રવાહરૂપ પરંપરા જે ચાલે તેનું મૂળ પરદ્રવ્ય છે એમ કહે છે. એટલે શું? કે વિકારની સંતતિનો પ્રવાહ પરદ્રવ્યના આશ્રયે-નિમિત્તે ઊભો થાય છે. પરદ્રવ્યનો આશ્રય- લક્ષ કરવાથી વિકારની પરંપરા થાય છે.

‘પરદ્રવ્ય જેનું મૂળ છે’ - આમાંથી કેટલાક લોકો ઉંધો અર્થ કાઢે છે કે-જુઓ, વિકારનું મૂળ પરદ્રવ્ય છે અર્થાત્ પરદ્રવ્ય વિકાર કરાવે છે.

અરે ભાઈ! એનો અર્થ એમ નથી. પણ પરદ્રવ્યના લક્ષે વિકાર જ થાય છે તેથી વિકારની સંતતિનું મૂળ પરદ્રવ્ય કહ્યું છે. વિકારના ભાવોની પ્રવાહરૂપ સંતતિ જે ઉઠે છે એનું કારણ તો આને જે પરદ્રવ્યનો આશ્રય, પરદ્રવ્યનું સ્વામીપણું, અને પરદ્રવ્યના આશ્રયે થતા વિકારનું સ્વામીપણું છે તે છે.

અહાહા....! આત્મા શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે; તે સ્વદ્રવ્ય છે. બાકી બધું લોકાલોક પરદ્રવ્ય છે. અહીં કહે છે-પોતાના સ્વદ્રવ્યને છોડીને લોકાલોકની ચીજો જે નિમિત્ત છે એનો આશ્રય-લક્ષ કરે ત્યાં વિકાર જ થાય છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર અને સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા હોય તોય તેના આશ્રયે-લક્ષે વિકાર જ થાય. અહાહા....! ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપ પ્રભુ સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળ નિર્વિકાર કલ્યાણસ્વરૂપ ધર્મના પરિણામ થાય છે અને એને છોડીને પરદ્રવ્યનો આશ્રય કરી પરિણમે ત્યાં અકલ્યાણરૂપ વિકારની-દોષની સંતતિનો પ્રવાહ ઊભો થાય છે.

પાઠમાં ‘तन्मूलां’ શબ્દનો શબ્દાર્થ એમ છે કે-દોષનું મૂળ કારણ પરદ્રવ્ય છે, પણ ભાવ એમ નથી. શ્રી રાજમલજીએ કળશટીકામાં ‘तन्मूलां’ નો અર્થ કર્યો છે કે- “ પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ જેનું એવી છે.” મતલબ કે વિકાર સંતતિનું મૂળ કારણ પરદ્રવ્યનું સ્વામીપણું છે. અહા! પૂરણ જ્ઞાન ને આનંદની સહજાનંદસ્વરૂપ મૂર્તિ પ્રભુ આત્માનું સ્વામીપણું છોડી દઈ જે એ પરદ્રવ્યના ઝુકાવમાં જાય છે એ વિકારની સંતતિ- પરંપરાનું મૂળ છે.

પ્રશ્નઃ– બીજાને સમજાવે તો ધર્મનો પ્રચાર થાય ને?