Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2857 of 4199

 

સમયસાર ગાથા ૨૮૮ થી ૨૯૦ ] [ ૩૭૭ તીવ્ર-મંદ (આકરા-ઢીલા) સ્વભાવને [कालं च] અને કાળને (અર્થાત્ આ બંધન આટલા કાળથી છે એમ) [विजानाति] જાણે છે, [यदि] પરંતુ જો [न अपि छेदं करोति] તે બંધનને પોતે કાપતો નથી [तेन न मुच्यते] તો તેનાથી છૂટતો નથી [तु] અને [बन्धनवशः सन्] બંધનવશ રહેતો થકો [बहुकेन अपि कालेन] ઘણા કાળે પણ [सः नरः] તે પુરુષ [विमोक्षम् न प्राप्नोति] બંધનથી છૂટવારૂપ મોક્ષને પામતો નથી; [इति] તેવી રીતે જીવ [कर्मबन्धनानां] કર્મ-બંધનોનાં [प्रदेशस्थितिप्रकृतिम् एवम् अनुभागम्] પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમ જ અનુભાગને [जानन् अपि] જાણતાં છતાં પણ [न मुच्यते] (કર્મબંધથી) છૂટતો નથી, [च यदि सः एव शुद्धः] પરંતુ જો પોતે (રાગાદિને દૂર કરી) શુદ્ધ થાય [मुच्यते] તો જ છૂટે છે.

ટીકાઃ– આત્મા અને બંધનું દ્વિધાકરણ (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા) તે મોક્ષ છે. ‘બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે (અર્થાત્ બંધના સ્વરૂપને જાણવામાત્રથી જ મોક્ષ થાય છે)’ એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), જેઓ કર્મબંધના પ્રપંચની (-વિસ્તારની) રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે.

ભાવાર્થઃ– બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. જાણવામાત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે.

*
મોક્ષ અધિકાર

વચનિકાકાર શ્રી જયચંદજી મંગલાચરણ કરે છેઃ-

કર્મબંધ સૌ કાપીને, પહોંચ્યા મોક્ષ સુથાન;
નમું સિદ્ધ પરમાતમા, કરું ધ્યાન અમલાન.

અહાહા...! શું કહે છે? કે જેટલા સિદ્ધ પરમાત્મા થયા તે બધાય સમસ્ત કર્મનો નાશ કરીને થયા છે. અહા! તેઓ સમસ્ત દુઃખનો સંપૂર્ણ નાશ કરીને પરિપૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત થયા છે. તે સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરીને અમ્લાન એટલે નિર્મળ નિર્વિકાર નિજ આત્માનું ધ્યાન કરું છું. અહા! અંદરમાં સિદ્ધ સમાન શુદ્ધ નિશ્ચય આત્મદ્રવ્યનું ધ્યાન કરું છું ને બહારમાં ભગવાન સિદ્ધનું ધ્યાન કરું છું. લ્યો, આવી વાત છે!