૩૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ બાકી રહી ગયું’ -એમ થયા જ કરે છે. અહા! સંસારમાં કેટલો કાળ ગાળવો છે પ્રભુ? ત્યાં તારાં છોતાં નીકળી જશે ભાઈ! અહીં જો, આ તારો આત્મા ભગવાન નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર છે. બાકી તો બધાં થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
‘જ્ઞાન, બંધ-પુરુષને જુદા કરીને પુરુષને મોક્ષ પમાડતું થકું, પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ કરીને જયવંત પ્રવર્તે છે.’
જ્ઞાન કહેતાં અંદર વળેલું જ્ઞાન બંધ ને પુરુષને જુદા કરી દે છે. શું કીધું? રાગથી ભિન્ન પડીને જે પ્રજ્ઞા સ્વસ્વરૂપને અનુભવે છે તે બંધને ને આત્માને જુદા કરી નાખે છે. અહા! તે જ્ઞાન આત્માને મોક્ષ પમાડતું થકું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ જે કેવલજ્ઞાન તેને પ્રગટ કરીને સદા જયવંત પ્રવર્તે છે. શક્તિરૂપે અંદર જે અનંતજ્ઞાન ને આનંદ હતાં તે શક્તિવાનમાં એકાગ્રતાના ધ્યાનથી પર્યાયમાં પ્રગટ થયાં અને તે હવે જયવંત પ્રવર્તે છે અર્થાત્ સદા એવાને એવાં રહે છે. હવે અપૂર્ણતા થાય ને એને નવો અવતાર ધરવો પડે એમ છે નહિ.
‘આમ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટપણું કહેવું તે જ મંગલ વચન છે.’ લ્યો, આત્માનું જ્ઞાન સર્વોકૃષ્ટ છે એ જ મંગળવચન છે. આવી વાત છે!
હવે, મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે કહે છે. તેમાં પ્રથમ તો, જે જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી-એમ કહે છેઃ-
‘આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ છે.’ આત્મા અને બંધને જુદા જુદા કરવા એનું નામ મોક્ષ છે. ‘મોક્ષ’ શબ્દ છે ને? એમાં ‘મૂકાવું’ -એમ અપેક્ષા છે. અહા! બંધથી મૂકાવું એનું નામ મોક્ષ છે. બંધથી મૂકાવું ને સ્વરૂપમાં રહેવું એનું નામ તે મોક્ષ. પરભાવથી મૂકાવું એમ અર્થ લઈને અહીં દ્વીધાકરણ કહ્યું છે. ભાઈ! આ માથે સિદ્ધશિલા ઉપર લટકવું એ કાંઈ મોક્ષ નથી. મોક્ષ એટલે જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા, બંધની-દુઃખની દશા જે પરવસ્તુ છે એનાથી ભિન્ન પડીને એક આનંદરસકંદ પ્રભુ આત્મામાં રહેવું તે મોક્ષ છે. પર્યાયમાં પરમ આનંદનો લાભ થાય એનું નામ મોક્ષ છે-એમ નિયમસારમાં કહ્યું છે. અ હા હા...! પૂર્ણ ચૈતન્યઘન પ્રભુ આત્માની સમ્યગ્દર્શનમાં પ્રતીતિ કરી, કેવલજ્ઞાનમાં પૂરણ ઉપલબ્ધિ કરવી એનું નામ મોક્ષ છે. શ્રીમદે કહ્યું છે ને કે-