સમયસાર ગાથા ૨૮૮ થી ૨૯૦ ] [ ૩૭૯ ભિન્ન જાણીને, રાગનું લક્ષ છોડી, રાગથી અધિક જે વસ્તુ અંદર જ્ઞાનસ્વરૂપ છે તેમાં ઢળતાં જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ વડે ભગવાન આત્મા નિશ્ચિત થાય છે, પ્રાપ્ત થાય છે. રાગ વડે કે વ્યવહાર વડે આત્મા પ્રાપ્ત થાય છે એમ છે નહિ. જેનાથી આત્મા ભિન્ન પાડવો છે એનાથી કેમ પ્રાપ્ત થાય? રાગથી-વ્યવહારથી તો આત્મા ભિન્ન કરવો છે, તો એનાથી આત્મા કેમ પ્રાપ્ત થાય? ન થાય.
લોકો રાડું નાખે છે કે-વ્યવહારથી થાય, વ્યવહારથી થાય. એને કહે છે-ભાઈ! વ્યવહાર ને નિશ્ચય બન્ને છે ખરા! પણ બન્નેને જુદા કરવા એનું નામ ધર્મ છે. શું થાય? આ પ્રરૂપણા જ નહોતી ને! એટલે આ કરવું ને તે કરવું એમ વ્યવહારની પદ્ધતિ-પ્રથા થઈ ગઈ. પણ ભાઈ! પુણ્ય-પાપના વિકલ્પ એ રાગ છે, ને રાગ છે એ બંધ છે. એનાથી ભિન્ન પડી અબંધસ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિથી આત્મા પ્રાપ્ત થાય છે એમ અહીં કહે છે.
અહાહા...! પુરુષ ને બંધને પ્રજ્ઞા વડે છેદીને, પુરુષને મોક્ષ પમાડતું થકું, પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. ભગવાન આત્મા દ્રવ્યરૂપથી-શક્તિરૂપથી સ્વભાવે તો સદા મોક્ષસ્વરૂપ જ છે. તેને પર્યાયમાં મોક્ષ પમાડતું અર્થાત્ અબંધદશાને પમાડતું પૂર્ણ જ્ઞાન એટલે કેવલજ્ઞાન જયવંત પ્રવર્તે છે. અહા! મોક્ષદશામાં જ્ઞાનની પૂર્ણતા જયવંત વર્તે છે; અર્થાત્ એવું ને એવું પૂર્ણજ્ઞાન સાદિ-અનંત કાળ સુધી પ્રગટ થયા જ કરે છે. મોક્ષ થયા પછી હવે એમાં અપૂર્ણતા થશે નહિ એમ કહે છે.
હવે કહે છે- કેવું છે તે જ્ઞાન? ‘उन्मज्जत्–सहज–परम–आनन्द–सरसं’ પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ અર્થાત્ રસયુક્ત છે,... ...
‘उन्मज्जत्’ –કીધું ને! એટલે કે અંદર શક્તિરૂપે જે કેવલજ્ઞાન હતું તે પર્યાયમાં પ્રગટ થયું છે. શું કીધું એ? કે કેવળજ્ઞાન પર્યાયમાં નહોતું, શક્તિરૂપે અંદર હતું તે શક્તિના પિંડમાં અંતર-એકાગ્ર થતાં પર્યાયમાં પ્રગટ થયું. સમજાણું કાંઈ... ...!ં
અહા! તે કેવલજ્ઞાન સહજ પરમ આનંદ વડે સરસ છે, રસયુક્ત છે. આપણે નથી કહેતા કે આ વસ્તુ સરસ છે? ‘સરસ’ એટલે કે આનંદ પમાડે તેવું રસયુક્ત, અહા! મોક્ષમાં કેવલજ્ઞાન સર્વોત્કૃષ્ટ સહજ આનંદના રસથી ભરેલું છે. અર્થાત્ કેવળજ્ઞાન અતીન્દ્રિય આનંદના રસથી સહિત છે.
વળી તે (-કેવલજ્ઞાન) ‘परं’ ઉત્કૃષ્ટ છે, અને ‘कृत–सकल–कृत्यं’ કરવાયોગ્ય સમસ્ત કાર્યો જેણે કરી લીધાં છે એવું છે.
શું કીધું? કે સકલ કર્મનો નાશ થઈ જવાથી પર્યાયમાં પણ કાર્યની પૂર્ણતા થઈ ગઈ તેથી કરવાનું કાંઈ બાકી રહ્યું નહિ એવું પૂરણ જ્ઞાન છે. અહીં તો લોકોને મરવાનું ટાણું આવે ત્યાં સુધી ‘આ છોડી કુંવારી રહી ગઈ’ , ‘આટલું કરવાનું હજુ