૩૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અનુભવે તો બંધ કપાય. શુદ્ધને અનુભવતાં શુદ્ધતા થાય, અબંધ થાય; પણ અશુદ્ધતા કરતાં કરતાં શુદ્ધતા-અબંધતા ત્રણકાળમાંય ન થાય. બંધના સ્વરૂપના વિકલ્પમાત્ર કરવાથી જ બંધ કદીય ન કપાય. લ્યો, આવી વાત છે.
બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છેઃ-
‘બંધસંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે-એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસત્ છે;... ...’
જોયું? બંધ સંબંધી વિચારશૃંખલા એટલે શુભભાવની ધારા એ મોક્ષનું કારણ છે- એમ કેટલાક કહે છે તે અસત્ છે એમ કહે છે. આ હું બંધનમાં છું’ મિથ્યાત્વ અને રાગાદિભાવ તે બંધ છે-એવા વિચાર કર્યા કરે એનાથી બંધ કપાય એમ કોઈ માને તો એ સાચું નથી-એમ કહે છે. બંધન આમ છે, ને એમાં આટલી પ્રકૃતિઓનો આ ગુણસ્થાને ઉદય હોય છે, આટલી પ્રકૃતિઓનો બંધ પડે છે ને આટલી સત્તામાં હોય છે-ઇત્યાદિ વિચારો કરવા એ શુભરાગ છે ને એનાથી કાંઈ આત્મા બંધથી છૂટતો નથી.
‘કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમકે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કર્મબંધથી છૂટવાનું કારણ નથી’
અન્ય સંપ્રદાયમાં તો કર્મના જાણનારાને મોટે જ્ઞાની કહે છે. અરે ભાઈ! કર્મનો બંધ, સત્તા, ઉદય ઇત્યાદિ જાણવામાં ધર્મ શું થયો! બાપુ! એ તો શુભરાગ છે. એનાથી ધર્મ કેમ થાય! ત્રણકાળમાં ન થાય. ભાઈ! સમ્યગ્દર્શન જે ધર્મનું પહેલું પગથિયું તે થવામાં પોતાના ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની અપેક્ષા છે. આ સિવાય બીજા કશાયનીય અપેક્ષા નથી, બીજા બધાની તો વાસ્તવમાં ઉપેક્ષા જ છે.
આગળ સમયસારમાં એ આવી ગયું કે શુદ્ધને (એક જ્ઞાયકને) જાણતાં શુદ્ધતાને (પર્યાયમાં શુદ્ધતાને) પામે અને અશુદ્ધને (-વિકારને ને પરદ્રવ્યને) જાણતાં અશુદ્ધતાને પામે. ભાઈ! અહીં તો સ્વભાવની દ્રષ્ટિ કરીને શુદ્ધ-અશુદ્ધને (સ્વભાવ-વિભાવને) જુદા પાડે ત્યારે આત્મા બંધનથી છૂટે છે એમ વાત કહેવી છે.
‘આથી કર્મસંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ (-શુભ) ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે.’