Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2863 of 4199

 

સમયસાર ગાથા ૨૮૮ થી ૨૯૦ ] [ ૩૮૩

‘વિશુદ્ધ ધર્મધ્યાન’ એટલે શુભભાવ જે પુણ્યબંધનું કારણ છે એને અહીં ધર્મધ્યાન કહ્યું છે. અહીં આ શબ્દ જરી અટપટો (નામથી) વ્યવહાર ધર્મધ્યાનના અર્થમાં વાપર્યો છે. નિયમસારમાં આવે છે કે-નિશ્ચય ધર્મધ્યાન ને વ્યવહાર ધર્મધ્યાન-બન્ને ભિન્ન છે. શુદ્ધ આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચય ધર્મધ્યાન છે ને (કર્મ આદિ) પરલક્ષે શુભભાવ થાય તે વ્યવહાર ધર્મધ્યાન છે. વર્તમાનમાં લોકોમાં આ મોટો ગોટો ઊઠયો છે-કે શુભભાવથી ધર્મ થાય. પણ ભાઈ! શુભભાવ એ નિશ્ચયથી તો આર્તધ્યાન છે, એ ધર્મધ્યાન કેવું? જુઓને! અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે- ‘વિશુદ્ધ ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે.......’ અહાહા...! શુભભાવથી ધર્મ માનનારા, અહા! શુભભાવથી બંધન છૂટશે એમ માનનારા અંધ એટલે આંધળા છે એમ કહે છે.

અરે ભાઈ! જેઓ શુભભાવમાં ગળા સુધી ગરી-ડૂબી ગયા છે એવા જીવોને અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો ગોળો ચૈતન્યમહાપ્રભુ પોતે છે એની ખબર સુદ્ધાં નથી. અંધ બુદ્ધિ છે ને? અહા! શુભભાવથી ભિન્ન ચૈતન્યમય હું પરમાત્મદ્રવ્ય છું-એ ભાસતું નથી. શુભભાવની આડમાં એને આખો પરમાત્મા ભાસતો નથી. આવે છે ને કે-

‘તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહિ.’

એમ શુભભાવની આડમાં પોતાના ભગવાનને એ ભાળતો નથી વળી કોઈ કહે છે-આ સમયસાર તો મુનિઓ માટે છે. એમ કે એનો સ્વાધ્યાય ગૃહસ્થો માટે નથી.

પણ ભાઈ! અહીં તો આ સ્પષ્ટ લખ્યું કે શુભભાવથી અંધ છે બુદ્ધિ જેમની તેમને સમજાવવામાં આવે છે. અહા! જેઓ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કર્મનો વિચાર કર્યા કરવો ઇત્યાદિ શુભરાગમાં-વ્યવહારમાં જ મૂઢ છે (નિશ્ચયને જાણતા નથી) એવા જીવોને આ સમયસાર સમજાવવામાં આવે છે. ભાઈ! તારી વાતમાં બહુ ફેર છે બાપા!

નિશ્ચયને જાણતાં વ્યવહારને જાણે એ તો જ્ઞાની છે. વ્યવહારનો રાગ છે એનાથી ભિન્ન પડીને શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનો અનુભવ કરે છે તે વ્યવહારનો યથાર્થ જાણનારો છે. પણ અહીં તો શુભમાં-વ્યવહારમાં અંધ છે બુદ્ધિ જેની એવા મૂઢ અજ્ઞાનીને સમજાવવામાં આવે છે. (જ્ઞાનીને-મુનિને ક્યાં સમજાવવો છે? એને તો એવો સ્વાધ્યાયનો રાગ આવે છે બસ એટલું જ).

અહા! કર્મના આઠ ભેદ, એની ૧૪૮ પ્રકૃતિ, એનાં બંધ, સત્તા, ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ ઇત્યાદિ બધું સર્વજ્ઞની વાણી સિવાય બીજે ક્યાંય છે નહિ. અહા! આવા સર્વજ્ઞના માર્ગમાં પણ કર્મપ્રકૃતિ સંબંધી વિચારશૃંખલામાં જ રોકાઈ જાય તેઓ, અહીં કહે છે, શુભભાવમાં આંધળા છે.