૩૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
ઈશ્વરને કર્તા માનનારા, વળી બીજા પ્રકૃતિ ઈશ્વરની શક્તિઓ છે એમ માનનારા અને એના વિના ઈશ્વરને પણ ચાલે નહિ એમ માનનારા-એ બધાની અહીં વાત નથી કેમકે તે જીવો તો સ્થૂળ વિપરીત દ્રષ્ટિ છે જ.
ઘણાં વર્ષ પહેલાંની આ વાત છે. મોરબી પાસે એક ગામ છે. ત્યાં એક શક્તિનું મંદિર છે. તેમાં એક બાવો રહે. અમે ત્યાં ગયેલા ત્યારે એ બાવો કહે-ભગવાનને પણ આ (અમારી આ શક્તિદેવી) શક્તિ વિના ચાલે નહિ. ત્યારે એને કહેલું-આ ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ ઈશ્વર છે, અને તેને જ્ઞાન ને આનંદ ઇત્યાદિ અનંત શક્તિ છે. એને એ શક્તિ વિના ચાલે નહિ. મતલબ કે એ શક્તિમાં અંતર્લીન થયા વિના ચાલે નહિ. અજ્ઞાનીઓ માને છે એ શક્તિય નહિ અને એ ઈશ્વરેય નહિ. (એ તો અસત્ કલ્પનામાત્ર છે.)
અહીં કહે છે-શક્તિવાન એવા પોતાના ભગવાન આત્માનો આશ્રય છોડી દઈને કર્મબંધનના વિચારો-શુભભાવ કે જેનાથી પુણ્ય બંધાય છે તે-કર્યા કરે છે તે અંધ છે, કેમકે એ શુભભાવને જ દેખે છે, પણ એનાથી ભિન્ન અંદર ભગવાન આત્મા છે એને દેખતો નથી. અહા! એવા અંધ મિથ્યાદ્રષ્ટિઓને, અહીં કહે છે, સમજાવવામાં આવે છે. સમજાણું કાંઈ...?
‘કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે.’
જોયું? શુભ પરિણામને અહીં ધર્મધ્યાન કહ્યું-એ વ્યવહાર છે. ‘જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે-શુભ પરિણામથી મોક્ષ થતો નથી.’
લ્યો, આ સ્પષ્ટ વાત કહી કે-વ્યવહાર કે જે શુભરાગરૂપ છે એનાથી મોક્ષ થતો નથી. ભગવાન સર્વજ્ઞદેવે કહેલી કર્મવ્યવસ્થાની વિચારધારામાં રહ્યા કરવું એ શુભરાગ છે, પુણ્યબંધનું કારણ છે, પણ એનાથી સમક્તિ આદિ ધર્મ થતો નથી. શુભથી મિથ્યાત્વનો છેદ તો થતો નથી પણ શુભને ધર્મ કે ધર્મનું કારણ માને તો મિથ્યાત્વનું બંધન થાય છે.
અહા! શુભથીય ભિન્ન પડી અંદર વસ્તુ જેવી ત્રિકાળ શુદ્ધ છે એનો આશ્રય કરે એને મિથ્યાત્વનું બંધન છેદાઈ જાય છે; તેને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો બંધ થતો નથી.