સમયસાર ગાથા-ર૯૨ ] [ ૩૮૭
‘કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમકે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે.’
જુઓ, શું કીધું? કે કર્મથી બંધાયેલાને તેનો છેદ એટલે કે (અસ્તિથી કહીએ તો) શુદ્ધાત્મા તરફનો ઝુકાવ એ મોક્ષનું કારણ છે, રાગનો બંધનો નાશ એ નાસ્તિથી વાત છે, તો અસ્તિ શું છે? તો કહે છે - જેમાં રાગ નથી એવા વીતરાગસ્વભાવી એક ચૈતન્યમય આત્માનો આશ્રય કરે તે મોક્ષનું કારણ છે. સમયસાર ગાથા ૧૪, ૧પ માં આવે છે કે - અબદ્ધસ્પૃષ્ટ એવા નિજ આત્માને દેખે અને અનુભવે તેને બંધનો છેદ થાય છે.
કર્મથી છૂટવું એ નિમિત્તની અપેક્ષાએ કથન છે, વિકારથી છૂટવું એ અશુદ્ધ ઉપાદાનની અપેક્ષાએ વાત છે અને શુદ્ધ ઉપાદાનથી કહીએ તો ભગવાન અબદ્ધસ્પૃષ્ટ આત્માને અનુભવ કરે તેને મોક્ષ થાય છે. અહા! શુદ્ધ ઉપાદાનનો આશ્રય કરતાં વિકાર ઉત્પન્ન થતો નથી તો એણે વિકારનો છેદ કર્યો એમ કહેવામાં આવે છે. જેવી ચીજ અંદર અબદ્ધસ્પૃષ્ટ મોક્ષસ્વરૂપ છે તેવા એ ચીજના આશ્રયે અબંધ પરિણામ પ્રગટ થાય છે ત્યારે વિકારનો નાશ કર્યો એમ કહેવાય છે.
સમયસાર ગાથા ૧પમાં એમ પણ આવે છે કે જે અબદ્ધસ્પૃષ્ટ એવા પોતાના આત્માને જાણે છે તે જૈનશાસનને જાણે છે. અહા! પર્યાયમાં પોતાના આત્માનું જ્ઞાન થયું એ જ જૈનશાસન છે; કેમકે જૈનશાસનના ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે એને વીતરાગતા ત્રિકાળ વીતરાગસ્વભાવી અબદ્ધસ્પૃષ્ટ નિજ આત્માના આશ્રયે પ્રગટે છે.
સમયસાર ગાથા ૭૪ની ટીકામાં લીધું છે કે - જેટલો આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે તેટલો આસ્રવોથી છૂટતો જાય છે અને જેટલો આસ્રવોથી છૂટતો જાય છે તેટલો વિજ્ઞાનઘન થતો જાય છે. તેમ અહીં કહે છે - આત્મા નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં જેટલો એકાગ્ર થતો જાય છે તેટલો તે કર્મથી (દ્રવ્યકર્મ ને ભાવકર્મથી) છૂટતો જાય છે ને જેટલો કર્મથી છૂટતો જાય છે તેટલો સ્વરૂપમાં એકાગ્ર થતો વિજ્ઞાનઘન થતો જાય છે.
લ્યો, આ દ્રષ્ટાંત આપી સમજાવે છે કે - જેમ બેડી આદિથી બંધાયેલો પુરુષ બંધનો છેદ કરવાથી બંધનથી છૂટે છે તેમ કર્મથી બંધાયેલો પુરુષ કર્મબંધનો છેદ કરવાથી બંધથી છૂટે છે. પણ કર્મબંધનો વિચાર કર્યા કરે, કે કર્મબંધનું માત્ર જાણપણું કર્યા કરે એથી કર્મથી ના છૂટે. બહારમાં આટલાં વ્રત કરે ને આટલા ઉપવાસ ને આટલી તપસ્યા કરે તો કર્મથી છૂટે એમ ત્રણકાળમાં નથી; કેમકે એ તો બધો રાગ છે ને એનાથી તો બંધન થાય છે.