સમયસાર ગાથા-ર૯૨ ] [ ૩૮૯
જુઓ, આ વ્યાપાર! આખો દિ’ દુકાનના, ધંધાના, બાયડી છોકરાં સાચવવાના ને ભોગના - એ તો બધા પાપના વ્યાપાર છે; અને દયા, દાન આદિ તથા બંધના વિચાર આદિમાં લાગ્યો રહે તે બધા પુણ્યના વ્યાપાર છે. અને પુણ્ય-પાપથી ભિન્ન અંદર શુદ્ધ ચૈતન્યમાં લાગ્યો રહે તે દ્વિધાકરણનો - ભેદજ્ઞાનનો વ્યાપાર છે. આત્માને રાગથી ભિન્ન કરવાનો આ વ્યાપાર - ઉદ્યમ ધર્મ છે, અને એવો ઉદ્યમ કરવાનો ભગવાન જિનેશ્વરનો હુકમ છે.
અહા! અબંધસ્વરૂપી આત્મા અને રાગનો બંધભાવ - એ બેને જુદે જુદા કરવાનો ભેદજ્ઞાન કરવાનો ભગવાનનો હુકમ છે. લ્યો, આ ભગવાનનો હુકમ! કે જોડ અને તોડ! એટલે શું? કે અનાદિથી રાગમાં જ્ઞાનને જોડયું હતું ત્યાંથી તોડ અને જ્ઞાનને આત્મામાં જોડ. જુઓ, આ ધર્મનું પહેલું પગથિયું એવા સમ્યગ્દર્શનની રીત. ચારિત્ર તો તે પછી હોય બાપુ! લોકોને ચારિત્ર કોને કહેવાય એની ખબર નથી. લુગડાં ફેરવ્યાં ને મહાવ્રત લીધાં એટલે થઇ ગયું ચારિત્ર એમ માને પણ એ તો નર્યું અજ્ઞાન છે.
વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ! લોકોને બિચારાઓને તે સાંભળવાં મળ્યો નથી. ક્યાંક જાય તો સાંભળવા મળે કે - જીવદયા પાળો, વ્રત કરો, ઉપવાસ-તપસ્યા કરો - એટલે ધર્મ થઇ જશે. પણ એમ તો ધૂળેય ધર્મ નહિ થાય. રાગનું એકપણું તોડી જ્ઞાનને નિજ ચૈતન્યસ્વરૂપમાં જોડયા વિના અને એની વિશેષ-વિશેષ સ્થિરતા કર્યા વિના બીજી રીતે કદીય ધર્મ નહિ થાય. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે - તમે તો બધું ક્રમબદ્ધ માનો છો. તો આ તોડ-જોડનો ઉધમ વળી શું? એક બાજુ કહો છો કે બધું ક્રમબદ્ધ થાય છે અને વળી પાછા કહો છો કે ઉદ્યમ કરો - તો આમાં તો વિરોધ આવે છે. એમાં અવિરોધ કેવી રીતે છે?
બાપુ! એ જ્યાં ક્રમબદ્ધનો નિર્ણય કરે છે ત્યાં જ આત્મામાં જોડાણનો ઉદ્યમ આવી જાય છે. ક્રમબદ્ધનો નિર્ણય એ જ સ્વસ્વરૂપમાં જોડાણનો ઉદ્યમ છે. આ રીતે એમાં અવિરોધ છે. સમજાણું કાંઈ...? આ તો અગમનિગમની વાતુ બાપુ!
આચાર્ય કહે છે - આત્મા અને રાગ સ્વરૂપથી ભિન્ન જ છે, પરંતુ જીવ અજ્ઞાનથી બેને એક માને છે તે એનું અહિત છે, અકલ્યાણ છે. તેને વળી કહે છે - હે ભાઈ! જો તારે તારું કલ્યાણ કરવું હોય તો વિકારના - રાગના પરિણામથી આત્માને ભિન્ન કર ને તારા જ્ઞાનને આત્મામાં જોડી દે.