Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2878 of 4199

 

૩૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ આજે પણ જેમને હજી ત્રસ અવસ્થા આવી જ નથી એવા અનંતા જીવ નિગોદમાં સબડે છે. શું કીધું? આ લસણ હોય છે ને! એની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીરો છે, અને એ પ્રત્યેક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. અહા! તે સર્વ જીવ ‘ભરિત- અવસ્થ’ એટલે સ્વભાવના સામર્થ્યથી પૂરણ ભરેલા દ્રવ્યરૂપથી પરમાત્મસ્વરૂપ છે. પણ શું થાય? વર્તમાન દશા હીન છે, સ્વરૂપને સમજવાની યોગ્યતાથી રહિત છે. ભાઈ! તને આવો અવસર (મનુષ્યભવ અવસર છે) મળ્‌યો છે તો સ્વરૂપને સમજી લે. રાગથી એકતા છે તે તોડીને સ્વરૂપમાં-ચૈતન્યરૂપમાં એકતા કર. અહા! આવા અવસરમાં ભગવાન શું કહે છે એ ન સમજે તો નિગોદના જીવતરમાં ને તારા જીવતરમાં ફરક નહિ રહે. અવસર તો ચાલ્યો જશે અને સ્વરૂપના ભાન વિના ભગવાન! તું ક્યાંય સંસાર-સમુદ્રમાં ખોવાઇ જઈશ.

અહા! અનંતકાળથી રઝળતો ચોરાસી લાખ યોનિમાં અવતાર ધરતો તે મહાદુઃખી છે. વર્તમાનમાં શરીર ભલે રૂપાળું હોય, પાંચ - પચાસ લાખનો સંયોગ હોય, ઘરે બંગલા હોય અને બાયડી - છોકરાં બધાં અનુકૂળ હોય, પણ એ બધામાં તારું શું છે ભાઈ! તારો તો એક આનંદનો નાથ ચૈતન્યલક્ષ્મીસ્વરૂપ પ્રભુ આત્મા છે. અહા! એને જાણ્યા વિના તું દુઃખી જ છે પ્રભુ! એના ભાન વિના આ બહારની જડ લક્ષ્મી-ધૂળ વડે તું પોતાને સુખી માને છે પણ એ તો જૂઠી કલ્પના જ છે. જોત જોતામાં બધું અદ્રશ્ય થઇ જશે અને તું ક્યાંય કાગડે - કૂતરે ચાલ્યો જઇશ. સમજાણું કાંઈ...?

અહીં કહે છે - ભગવતી પ્રજ્ઞા જ - એકલી જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ - છેદનાત્મક એટલે આત્મા અને વિકારને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન છે. જેમ લાકડામાં કરવત મૂકતાં કટકા થઇ જાય છે તેમ ભેદજ્ઞાનની બુદ્ધિ અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અંતર-એકાગ્ર થયેલી જ્ઞાનની દશા આત્મા અને વિકારને - બન્નેને ભિન્ન કરી નાખે છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિ-વિનયનો રાગ ને પંચમહાવ્રતાદિનો રાગ એ બધો જે વ્યવહાર છે એનાથી ભગવાન આત્માને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે અને તે આત્માથી અભિન્ન છે. આ પ્રમાણે આત્મા જ એટલે અંતર્મુખ વળેલી જ્ઞાનની પર્યાય જ કર્તા ને એ જ સાધન છે. ભાઈ! આ તો મહાવિદેહમાં બિરાજમાન સાક્ષાત્ તીર્થંકર સીમંધર ભગવાનની વાણીમાં આવેલી વાત છે.

પ્રશ્નઃ– પણ રાગ ને આત્મા જુદા - ભિન્ન જ છે એમ આપ કહો છો તો જુદા છે એમને જુદા શું પાડવા?

ઉત્તરઃ– હા, તેઓ જુદા જ છે, પણ એને જુદા માન્યા છે ક્યાં? બીજી ચીજ મારી છે એમ માન્યું છે. ભાઈ! બગડે બે-એમ બીજી ચીજ મારી છે એમ માન્યું છે એ મોટો બગાડ છે. શુભાશુભનું પરિણમન એ આત્મામાં બગાડ છે એને ભિન્ન કરવા પ્રજ્ઞા - જ્ઞાનની અનુભવ દશા એ એક જ સાધન છે.