સમયસાર ગાથા-ર૯૪ ] [ ૪૦૧ અનશન, ઉણોદર આદિ બાર પ્રકારનાં તપ કર્યા, ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પ કર્યા, બાર બાર મહિનાના ઉપવાસ આદિ આકરાં તપ કરી શુક્લલેશ્યા પૂર્વક તે અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો; પણ અરે! એ શુભરાગ જાણવાલાયક ચેત્ય પદાર્થથી હું ચેતનારો જ્ઞાયક ભિન્ન છું એમ ભેદજ્ઞાન ન કર્યું! પણ બાપુ! વિના ભેદજ્ઞાન કલ્યાણ તો શું કલ્યાણની શરૂઆતેય થતી નથી.
ભગવાને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આદિ નવ પદાર્થ કહ્યા છે. તેમાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કામ, ક્રોધ આદિ પાપભાવો છે અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પુણ્યભાવો છે. ભગવાન આત્મા એ બન્નેથી ભિન્ન જ્ઞાયકતત્ત્વ છે. શું કીધું? પ્રત્યેક જીવ અંદર શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વ છે. અહાહા..! પ્રત્યેક જીવ અંદર જ્ઞાનાનંદનો દરિયો પ્રભુ છે.
આ શક્કરિયું હોય છે ને? સક્કરકંદ, તેના ઉપરની જે લાલ છાલ છે એનો કુચા જેવો ફીકો સ્વાદ હોય છે. તેને કાઢી નાખો તો અંદરમાં એકલો સાકર-મીઠાશનો પિંડ છે. તેમ પર્યાયમાં જે આ શુભાશુભભાવોના વિકલ્પ ઉઠે છે તે લાલ છાલ જેવા છે. એનું લક્ષ છોડી દો તો અંદર ભગવાન આત્મા એકલો જ્ઞાન ને આનંદનો રસકંદ છે.
ભાઈ! આ શરીર રૂપાળું દેખાય છે ને? એ શરીર તો ધૂળ-માટી છે. બળશે ત્યારે એટલી (શરીરના જેટલી) રાખેય નહિ થાય, અને એય પવનથી ક્યાંય ઉડી જશે. અને જીવ, વિના ભેદજ્ઞાન ક્યાંય ચાલ્યો જશે. એટલે તો કહ્યું છે કે-
અહાહા...! ચેતનારાને ચેત એમ સાવધાન કરે છે. અહા! મહાભાગ્ય હોય ત્યારે આવી વીતરાગની વાણી કાને પડે છે. અહીં પૂછે છે- ભગવાન! ચેતનારો આત્મા અને ચેત્ય વિકાર- એ બન્ને એક જેવાં ભાસે છે તો ભગવતી પ્રજ્ઞા વડે તેઓનો ભેદ કેવી રીતે કરી શકાય? એને સમ્યગ્દર્શન અને આત્માનુભાવ કેમ થાય એવો મુદની રકમનો પ્રશ્ન શિષ્યે કર્યો છે.
તેનું સમાધાન આચાર્યદેવ કરે છેઃ - ‘આત્મા અને બંધનાં નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞાછીણીને સાવધાન થઇને પટકવાથી તેમને છેદી શકાય છે અર્થાત્ જુદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ.’
આ પત્થરના ડુંગર નથી હોતા? લાખો મણ પત્થર હોય એવા પત્થરના ડુંગરે ડુંગર હોય છે, એમાં પત્થરો બધા એક જેવા દેખાય છે પણ એક નથી હોતા.