૪૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ન હતી, એ વિષયોમાં સુખબુદ્ધિ ન હતી. અને કોઈ શરીરથી બ્રહ્મચર્ય પાળે ને એના શુભરાગમાં એકપણું કરે, શુભરાગને ભલો જાણે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. આવું ઝીણું ભાઈ! ભગવાન સર્વજ્ઞનો માર્ગ આવો બહુ ઝીણો છે.
ભગવાનનો માર્ગ બહુ ઝીણો બાપા! અહા! એક પળ પણ જેને અંદર આત્મજ્ઞાન થાય તે ભવરહિત થઇ જાય છે; અને આત્મજ્ઞાન વિના કોઈ બાહ્ય ક્રિયાઓ કરી કરીને મરી જાય છતાં એને એક ભવ પણ ન ઘટે; અહા! એ ક્રિયાઓને ભલી માને એ મિથ્યાત્વનો મોટો બગાડ છે, અને એને એ જન્મપરંપરાનું જ કારણ થાય છે. અહા! આ તો ભગવાનની ઓમધ્વનિમાં આવેલી વાત છે.
હવે અહીં શિષ્ય પૂછે છે કે - ‘આત્મા અને બંધ કે જેઓ ચેત્ય-ચેતકભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક (-એક જેવા-) થઇ રહ્યા છે, ને ભેદ-વિજ્ઞાનના અભાવને લીધે, જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કેવી રીતે છેદાય? ’
અહા! ચિદાનંદધન પ્રભુ આત્મા અને પુણ્ય-પાપના ભાવ જે બંધ - તેઓ ચેત્ય - ચેતકભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઇ રહ્યા છે. શું કીધું એ? ભગવાન આત્મા જાણનાર - દેખનાર પ્રભુ ચૈતન્યપ્રકાશનું પૂર ચેતક છે અને દયા, દાન, વ્રત, ભક્તિ અને હિંસા, જૂઠ, ચોરીના વિકારના ભાવ જાણવા લાયક ચેત્ય છે. અહા! તેઓ આત્મા નથી. ભલે તેઓ પોતાની પર્યાયમાં થાય છે છતાં તેઓ વિભાવ - વિકૃતભાવ છે. તે બન્નેને ઘણી નિકટતા છે. એટલે શું? કે જે સમયે જ્યાં વિકાર ઉત્પન્ન થાય છે તે જ સમયે ત્યાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. જાણનારો ભગવાન જ્યારે જાણવાની દશાપણે ઉત્પન્ન થાય છે તે જ કાળે રાગની ઉત્પત્તિ થાય છે. (આ નિકટતા છે) હવે નિશ્ચયથી વિકાર ચેત્ય નામ જાણવાલાયક છે અને આત્મા ચેતક નામ જાણનારો છે. બંધભાવમાં ચેતકપણું નથી અને ચેતકમાં બંધભાવ નથી. એમ હોવા છતાં બેની અતિ નિકટતાને લીધે ચેત્ય જે વિકાર તે હું છું એમ અનાદિથી અજ્ઞાની માને છે.
જુઓ, આત્મા અને વિકાર - બે એક થઇ રહ્યા છે એમ કીધું ને? મતલબ કે તેઓ એક છે એમ નહિ, પણ અજ્ઞાનીને તેઓ એક જેવા થઇ રહ્યા હોય એમ ભાસે છે. તેને ભેદજ્ઞાન નથી ને! અહા! ભેદજ્ઞાનના અભાવને લીધે જાણે તેઓ એક ચેતક જ હોય અર્થાત્ જાણે તેઓ એક થઇ ગયા હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. શિષ્ય પૂછે છે - પ્રભુ! અંદર આટલું બધું જ્યાં બન્નેને નિકટપણું થઇ ગયું છે, જ્યાં આત્મા જાણનાર ચેતક ને વિકાર જાણવા લાયક ચેત્ય - એવો ભેદ દેખાતો નથી તો હવે બન્નેને પ્રજ્ઞા વડે કેવી રીતે છેદી શકાય?
અરે! અનંતકાળમાં એણે આત્મા અને બંધ વચ્ચે ભેદજ્ઞાન કર્યું નહિ! એણે