૪૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ જ્ઞાનાનંદસ્વરૂપને જાણે છે - અનુભવે છે તે જ્ઞાન છે. અહા! અનંતકાળમાં જે એક ક્ષણવાર પણ નથી કર્યું એવું આ જ્ઞાન - ભેદજ્ઞાન એનું પહેલામાં પહેલું કર્તવ્ય છે. સમજાણું કાંઈ...?
અહા! આ સમયસાર તો અશરીરી - સિદ્ધ બનવા માટેનું અમોઘ પરમાગમ શાસ્ત્ર છે, કેમકે તે એનાથી (શાસ્ત્રથા) લક્ષ છોડાવી અંતર્લક્ષ - સ્વરૂપનું લક્ષ કરાવે છે. અહા! આના (અંતર્લક્ષના) અભ્યાસ વિના બહારનો (વ્રત, તપ, ભક્તિનો) અભ્યાસ પ્રભુ! તું કરે પણ એ તો જિંદગી બરબાદ કરવા જેવું છે; અર્થાત્ એ ચારગતિની રખડપટ્ટી માટે જ છે. અહા! બહુ આકરી વાત, પણ આ સત્ય વાત છે.
નરકના એક ભવ સામે સ્વર્ગના અસંખ્ય ભવ - એમ એણે નરકના અનંત અને એનાથી અસંખ્યાતગુણા અનંત સ્વર્ગના ભવ કર્યા છે. તે સ્વર્ગમાં શું પાપ કરીને ગયો હશે? ના... અહા! તે વ્રત, તપ, ભક્તિ દયા, દાન ઇત્યાદિના પુણ્યભાવ કરીને સ્વર્ગમાં ગયો છે. અહા! આવા, આવા પુણ્યના ભાવ એણે અનંત - અનંત વાર કર્યો છે પણ એનાથી - રાગથી ભિન્ન હું ચૈતન્ય લક્ષણથી લક્ષિત ભગવાન આત્મા છું એમ ભાન કર્યું નહિ. અહા! આવા પોતાના સ્વરૂપને જાણ્યા-અનુભવ્યા વિના બાપુ! એ બધા વ્રતાદિના પુણ્યભાવ થોથેથોથાં છે, નકામાં છે; બંધન ખાતે જ છે. સમજાણું કાંઈ...?
દસમા ભવે ભગવાન મહાવીરનો જીવ સિંહની અવસ્થામાં હતો. ત્યારે એકવાર હરણ ફાડી ખાતો હતો. ત્યારે બે ચારણઋદ્ધિધારી મુનિવરો એની પાસે આવ્યા. અહા! સિંહ તો સ્તબ્ધ થઈ ગયો. ત્યારે મુનિવરોએ સિંહને કહ્યું અરે! આ શું? અમોએ ભગવાન પાસેથી સાંભળ્યું છે કે - ‘તું તીર્થંકરનો જીવ છો અને દસમા ભવે મહાવીર તીર્થંકર થઈશ.’ અહા! આ સાંભળી સિંહ વિચારમાં પડી ગયો કે -અરે! આ હું શું કરું છું? અને આ પવિત્ર મુનિવરો શું કહે છે? અહા! હું કોણ છું? આમ વિચાર સાથે આંખમાં પ્રશ્ચાત્તાપનાં આંસુથી ધારા વહેવા લાગી અને પલકવારમાં તો શુભાશુભ વિકલ્પોને તોડી ચૈતન્યપરિણતિને ચૈતન્યલક્ષિત સ્વસ્વરૂપમાં જોડી દીધી. અહાહા...! ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય - એમ ચૈતન્યસ્વરૂપમાં એ ઉતરી ગયો અને તત્કાલ ભવબીજને છેદનારું સમ્યગ્દર્શન પ્રગટ કર્યું. અહા! માનો ભવનો અંત કર્યો.
અહા! આવો પ્રભુ! તું ચિન્માત્ર આત્મા છો. તું સ્ત્રી નહિ, પુરુષ નહિ ને નપુંસકેય નહિ, પુણ્ય ને પાપેય તું નહિ અને પુણ્ય - પાપનો કરનારોય તું નહિ. અહા! ચૈતન્યની નિર્મળ પરિણતિમાં જણાય છે એવો ચિન્માત્ર પ્રભુ આત્મા છો. એ જ કહે છે કે-
‘વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિષે.’