Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2888 of 4199

 

૪૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ચમત્કાર પ્રભુ આત્મામાં જાણવામાં આવે છે, પણ પોતાનાથી પૃથક્ છે. એમ જાણવામાં આવે છે, તેઓ આત્મા છે એમ પ્રતિભાસતા નથી, પણ ભિન્ન પ્રતિભાસે છે.

‘વળી, જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ, રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે.’

અહા! આ જાણન... જાણન... જાણન... ગુણ અને એની અવસ્થા આત્માની સાથે જેમ સદાય રહેતી દેખાય છે તેમ પુણ્ય - પાપના ભાવો આત્માની સાથે સદા રહેતા દેખાતા નથી. કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. જેમ શરીરાદિ વિના આત્મલાભ સંભવે છે. તેમ રાગાદિ વિના પણ આત્મલાભ સંભવે છે. ભગવાન આત્મામાં રાગાદિ નથી. તેથી રાગથી ભિન્ન પડી જ્યાં અંતરમાં આત્માનુભવ કરે છે તો અંદર રાગરહિત આત્માનો લાભ થાય છે. વળી જ્યાં રાગાદિક હોતા નથી ત્યાંપણ ચૈતન્ય તો હોય છે. જેમકે સિદ્ધ ભગવાનમાં રાગ નથી છતાં ચૈતન્ય હોય છે. જો રાગાદિ અર્થાત્ પુણ્ય - પાપના ભાવ આત્મા હોય તો જ્યાં જ્યાં ચૈતન્ય હોય ત્યાં રાગાદિ હોવા જોઈએ. પરંતુ એમ છે નહિ. સિદ્ધ દશામાં જ્ઞાન-દર્શન હોય છે પણ રાગાદિ સર્વથા હોતા નથી. માટે રાગાદિ અર્થાત્ બંધ આત્માથી ભિન્ન છે, આત્માની ચીજ નથી.

‘વળી જે, રાગાદિકનું ચૈતન્યની સાથે જ ઉપજવું થાય છે તે ચેત્યચેતકભાવની અતિ નિકટતાને લીધે જ છે, એ દ્રવ્યપણાને લીધે નહિ;.....’

અહા! જે સમયે જ્ઞાનની દશા ઉત્પન્ન થાય છે તે જ સમયે પુણ્ય - પાપના ભાવ ઉત્પન્ન થાય છે તે જ્ઞેયજ્ઞાયકભાવની અતિ નિકટતાને લીધે છે; પણ એમ નથી કે જ્ઞાન ને રાગ એકદ્રવ્યમય છે, અર્થાત્ એક છે માટે એક જ સમયે ઉત્પન્ન થાય છે. બન્નેનું એકસમયમાં ઉત્પન્ન થવું પોતપોતાથી છે, કોઈ કોઈથી ઉત્પન્ન થાય છે એમ છે જ નહિ. રાગ છે માટે જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ છે નહિ. જેમ અગ્નિને જોનારી આંખ અગ્નિથી એક નથી તેમ જ્ઞાનસ્વરૂપી આત્મા ને રાગ એક નથી. અગ્નિને દેખવાના કાળે આંખ અગ્નિને દેખે છે, પણ આંખ અગ્નિરૂપ થઈ જતી નથી, વા અગ્નિ આંખમાં પેસી જતી નથી. તેમ ચૈતન્ય - આંખ રાગને દેખે છે, પણ ચૈતન્ય રાગરૂપે થઈ જતું નથી, વા રાગ ચૈતન્યરૂપ થઈ જતો નથી. આ પ્રમાણે રાગ ને જ્ઞાન એકદ્રવ્યમય નથી, પણ ભિન્ન પદાર્થો જ છે. અનાદિથી બે એકરૂપે ભાસે છે એ અજ્ઞાનજનિત ભ્રમ છે. અહા! અહીં એનો (ભ્રમનો) નાશ કેમ થાય એની વાત કરે છે.

અહો! કેવી ટીકા! આચાર્યદેવે એકલાં અમૃત ઘોળ્‌યાં છે. અહો! લોકોનાં ભાગ્ય છે કે જંગલમાં અતીન્દ્રિય આનંદમાં રહેનારા મુનિવરને વચ્ચે વિકલ્પ આવ્યો ને આવું શાસ્ત્ર શાસ્ત્રના કારણે બની ગયું. અહો! સંતોએ મોક્ષમાર્ગ સરળ કરી દીધો છે.