૮] [સમયસાર પ્રવચન સાધ્ય (મોક્ષ) પ્રગટ થાય છે તથા જે ભાવથી પોતાનો આશ્રય કરવાથી વર્તમાન સાધકભાવ (મોક્ષમાર્ગ) ઉત્પન્ન થાય છે, તે ભાવથી એક આત્મા જ નિત્ય સેવવા યોગ્ય છે. ઝીણી વાત, ભાઈ! પણ અનંતકાળથી પોતાની જે અખંડ અભેદ ચીજ છે એની દ્રષ્ટિ કયારેય કરી જ નથી ને શાસ્ત્ર સઘળાં ભણે પણ અંતર્દ્રષ્ટિ ન કરે તો તેથી શું?
શું કહે છે? આ આત્મા જે ભાવથી સાધ્ય નામ મોક્ષ અને સાધન નામ મોક્ષોપાય થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે-“સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવા યોગ્ય છે.” સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે તેથી વ્યવહાર છે. એક આત્મા જે જ્ઞાયકભાવ પૂર્ણાનંદસ્વરૂપ એકસ્વભાવી છે એની સેવા કરવી એ નિશ્ચય છે, પરમાર્થ છે. પહેલાં પણ એમ કહ્યું કે-‘આત્મા સેવવો’; પરંતુ એવા અભેદ કથનથી વ્યવહારીજન સમજી શક્તો નથી તેથી તેને જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ પાડીને વ્યવહારથી સમજાવ્યું કે સાધુ પુરુષે દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરવું. ભગવાન આત્મા તે નિશ્ચય છે અને તેની અપેક્ષાએ આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રણપણાનું સેવન કહેવું એ વ્યવહાર છે, મેચકપણું છે (મલિનપણું છે), અનેકપણું છે; દર્શનસ્વભાવ, જ્ઞાનસ્વભાવ, ચારિત્રસ્વભાવ ઇત્યાદિ અનેકસ્વભાવ થઈ જાય છે તેથી તે વ્યવહાર છે. વ્યવહારથી ઉપદેશમાં આ પ્રમાણે કથન આવે છે, પણ આશય તો એક શુદ્ધ નિશ્ચય આત્માનું સેવન કરાવવાનો છે.
લોકો તો માને કે અત્યારે પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણ પાળે એ સાધુ. પણ ભાઈ, સાધુને માટે આહાર બનાવે અને જો તે આહાર સાધુ લે તો તે દ્રવ્યલિંગી પણ નથી. નિશ્ચય તો નથી પણ વ્યવહારનાંય ઠેકાણાં નથી. કોઈ એમ કહે કે નિશ્ચય હોય પછી વ્યવહાર ગમે તેવો હોય, વ્યવહારનું શું કામ છે? તો તે વાત બરાબર નથી. નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવંત સાધુને પાંચ મહાવ્રત તથા ર૮ મૂળગુણ આદિનો વ્યવહાર યથાર્થપણે હોય છે. સાધુને માટે ચોકો બનાવે અને સાધુ તે આહાર લે એવું પ્રાણ જાય તોપણ ત્રણકાળમાં બને નહિ. લોકો એમ કહે છે કે શરીર રહે તો પ્રાણ ટકે અને તો ધર્મ થાય. પણ એથી તો ધૂળેય ધર્મ નથી. અહીં તો કહે છે કે આત્મામાં રહે-ટકે તો ધર્મ થાય. ભગવાન શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકની દ્રષ્ટિમાં રહે તો ધર્મ થાય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ ૧૬ મી ગાથામાં સોળવલું સો ટચનું સોનું બતાવ્યું છે.
પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણ એ ચારિત્ર નથી પણ આસ્ત્રવ અને બંધનું જ કારણ છે. નિશ્ચય આત્માના અનુભવરૂપ ચારિત્ર હોય તો આને વ્યવહારચારિત્રનો ઉપચાર આવે. તેમ છતાં એ છે તો બંધનું જ કારણ. અહીં એની વાત નથી. અહીં તો કહે છે કે આત્મા જે પરિપૂર્ણ શુદ્ધ વસ્તુ છે તે જ સાધકપણે-જ્ઞાનપણે પરિણમે છે. અને તે સાધકભાવનું પરિપૂર્ણતામાં પરિણમન તે સાધ્ય. આત્મા પોતે જ અપરિપૂર્ણ