૪૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ તો દીવો પોતાનો સ્વપરને પ્રકાશવાના એક પ્રકાશસ્વભાવને જ પ્રકાશે છે, કેમકે દીપક ઘટપટરૂપે ને ઘટપટ દીપકરૂપે કદીય થતા નથી.
તેમ, કહે છે, આત્મા વડે ચેતવામાં આવતા રાગાદિક આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે - રાગાદિપણાને નહિ. ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે, ચેતકસ્વભાવી છે. તે રાગાદિ-પુણ્ય-પાપના ભાવોને જાણવાના કાળે ખરેખર તો પોતાની જ્ઞાનપર્યાયને જ જાણે છે કે જેમાં એ પુણ્ય - પાપના ભાવ જણાઈ રહ્યા છે. પુણ્ય -પાપ આદિ ભાવોને જો ખરેખર આત્મા જાણે (- સ્પર્શે) તો આત્મા પુણ્ય - પાપ આદિરૂપ થઈ જાય. પણ આત્મા કદીય પુણ્ય - પાપ આદિ ભાવરૂપ થતો નથી અહા! પુણ્ય-પાપ આદિ ભાવોને જાણતાં શું જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવરૂપ થાય છે? ના વાસ્તવમાં તો જ્ઞાન પુણ્ય - પાપ આદિ ભાવોને જાણતું (સ્પર્શતું નથી) પણ તે કાળે પોતાના દ્વૈતરૂપ જાણવાના સ્વપરપ્રકાશકપણાને જ તે પ્રગટ કરે છે, રાગાદિપણાને નહિ. જ્ઞાન પુણ્ય - પાપ આદિ ભાવોને જાણે છે એ તો વ્યવહાર છે, બાકી વાસ્તવિકપણે તો જ્ઞાન પોતાના દ્વૈતરૂપ સ્વપરને પ્રકાશવાના એક જ્ઞાનસ્વભાવને - ચેતકસ્વભાવને જ પ્રકાશે છે, કેમકે જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવોરૂપે ને પુણ્ય-પાપ આદિ ભાવો જ્ઞાનરૂપે કદીય થતા નથી. અહા! જાણવાના કાળે જ્ઞાનમાં પુણ્ય - પાપ આદિ - બંધ આવતો નથી અર્થાત્ રાગાદિબંધ જ્ઞાનરૂપ થઈ જતો નથી, વળી રાગાદિ - બંધ છે તો જ્ઞાનનો પ્રકાશ થયો છે એમ પણ નથી. જ્ઞાનનો તો સહજ જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. જે નિરંતર પ્રકાશે છે. અહા! આવું વસ્તુનું સ્વરૂપ જાણી તેને અંતર- અનુભવમાં લેવું તે સમકિતનું કારણ થાય છે.
અહા! સર્વજ્ઞ પરમેશ્વરથી પ્રરૂપિત વીતરાગ માર્ગ સિવાય આવી વાત બીજે ક્યાંય છે નહિ. અહા! એનો એક એક શબ્દ અને એની એક એક પંક્તિ અદ્ભુત ન્યાયથી ભરેલી અલૌકિક છે. આમાં તો એકલું અમૃત છે ભાઈ!
હવે કહે છે - ‘આમ હોવા છતાં તે બન્નેની (-આત્માની અને બંધની) અત્યંત નિકટતાને લીધે ભેદસંભાવનાનો અભાવ હોવાથી અર્થાત્ ભેદ નહિ દેખાતો હોવાથી (અજ્ઞાનીને) અનાદિકાળથી એકપણાનો વ્યામોહ (-ભ્રમ) છે; તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે.’
આત્મા અને રાગનો લક્ષણ - ભેદ હોવા છતાં અજ્ઞાનીને અનાદિ કાળથી આત્મા અને રાગના એકપણાનો વ્યામોહ એટલે ભ્રમ છે, ભ્રાન્તિ છે. શિષ્ય પૂછે છે કે તે ભ્રમ- વ્યામોહ કોઈ રીતે છેદી શકાય કે નહિ? તો કહે છે -
તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે. શું કીધું? કે પ્રજ્ઞા - સમ્યગ્જ્ઞાનની દશા વડે અવશ્ય છેદાય ને બીજી કોઈ રીતે ન છેદાય. અહા! જેમ અંધકાર દૂર કરવાનો ઉપાય પ્રકાશ છે તેમ ભ્રમ - વ્યામોહ છેદવાનો ઉપાય એક સમ્યગ્જ્ઞાન છે.