સમયસાર ગાથા-૨૯૪ ] [ ૪૧૧ અહા! આત્મા અને રાગને જુદા પાડનારું ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન જ ભ્રમ મટાડવાનું સાધન છે. આ જ ધર્મ ને આ જ મોક્ષમાર્ગ છે.
‘આત્મા અને બંધ બન્નેને લક્ષણભેદથી ઓળખી બુદ્ધિરૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા.’
આત્માનું લક્ષણ ચૈતન્ય છે ને બંધનું લક્ષણ રાગ છે. બન્નેને લક્ષણભેદ છે તેથી બન્ને ભિન્ન ભિન્ન છે. બન્નેની ભિન્નતા લક્ષમાં લઈ જ્ઞાનની દશાને સ્વ તરફ વાળી સ્વાનુભવ કરવો તે બન્નેને ભિન્ન કરવાનો ઉપાય છે; અને એને જ પ્રજ્ઞાછીણી કહે છે.
‘આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓનો સ્કંધ છે તેથી બન્ને જુદા છદ્મસ્થના જ્ઞાનમાં આવતા નથી. માત્ર એક સ્કંધ દેખાય છે; તેથી અનાદિ અજ્ઞાન છે.’
આત્મા તો સ્પર્શાદિ રહિત અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પરમાણુઓનો સ્કંધ છે. છદ્મસ્થને એટલે અલ્પજ્ઞાનીને બન્ને ભિન્ન છે એમ જ્ઞાનમાં ભાસતું નથી; માત્ર એક સ્કંધ દેખાય છે. અહા! અજ્ઞાનીને રાગાદિરૂપ ભાવબંધ જણાય છે. અહા! એની અનાદિથી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગાદિમાં - પુણ્ય - પાપના ભાવમાં -જ રમતુ છે અંદર આનંદ રસકંદ પ્રભુ પોતે વિરાજે છે એની એને ખબરેય નથી. અહા! પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનું એને ભાન નથી, તેથી માત્ર વિકાર જે જણાય છે તે હું છું - એમ તેને અનાદિ અજ્ઞાન છે.
‘શ્રી ગુરુઓનો ઉપદેશ પામી તેમના લક્ષણ જુદાં જુંદા અનુભવીને જાણવું કે ચૈતન્યમાત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે તોપણ માત્ર જ્ઞેય જ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે.’
જોયું? શ્રી ગુરુઓનો ઉપદેશ એ નિમિત્ત છે, ને અંદર નિર્ણય કરવો તે ઉપાદાન છે. શું નિર્ણય કરવો? કે આ જાણવું.... જાણવું...જાણવું છે એ તો ચૈતન્યમાત્ર આત્માનું લક્ષણ છે અને રાગાદિ પુણ્ય - પાપના ભાવ જે થાય છે તે બંધનું લક્ષણ છે. તે રાગાદિ ભાવ સ્વ-લક્ષને છોડી પરનું લક્ષ કરે ત્યારે ઉત્પન્ન થાય છે. તેથી પરલક્ષી જે ભાવ છે તે બંધનું લક્ષણ છે.
અરે! એને ભવનો ભય નથી; અહા! અહીંથી મરીને હું ક્યાં જઈશ એનો વિચાર જ નથી. બાપુ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે; એની તો ભસ્મ થઈ જશે, પણ તું ક્યાં જઈશ? તું તો અવિનાશી શાશ્વત તત્ત્વ છે ને પ્રભુ! તો મરીને ક્યાં રહીશ? મિથ્યાત્વમાં રહીશ તો ચારગતિમાં ચોરાસીલાખ યોનિમાં જ રખડવું પડશે, અહા! અહીં ચારગતિના છેદનો આચાર્યદેવ ઉપાય બતાવે છે કહે છે-