અનુસારિણી છે, વળી જીવાદિ પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન જે પ્રકારે થાય છે તેમાં વાણી નિમિત્ત છે; માટે વાણીનું પૂજ્યપણું પણ છે. કળશટીકાકારે સ્વતંત્ર ટીકા કરી છે, પરંતુ અજબ મેળવાળી છે.
ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વર એટલે શું-એની લોકોને ખબર નથી. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વરૂપી જ છે. અહા! શ્રીમદે કહ્યું છે ને કે સમ્યક્દર્શન થતાં (શ્રદ્ધા અપેક્ષાએ) કેવળજ્ઞાન પ્રગટયું. અનાદિથી પોતે શક્તિએ સર્વજ્ઞ હોવા છતાં હું અલ્પજ્ઞ છું એમ માનતો હતો. તે સમ્યક્દર્શન પ્રગટ થતાં હું પૂર્ણાનંદ સર્વજ્ઞસ્વભાવી છું એમ શ્રદ્ધામાં આવ્યું. માટે શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન વર્તે છે, એમ શ્રીમદે લીધું છે. જે શ્રદ્ધામાં સર્વજ્ઞની માન્યતા ન હતી એ શ્રદ્ધાએ સર્વજ્ઞતત્ત્વને પ્રતીતિમાં લીધું-એ અપેક્ષાએ સર્વજ્ઞપણું પ્રગટયું એમ કહેવાય.
નિજસ્વરૂપને સરસ્વતીની મૂર્તિ અવલોકન કરે છે -એટલે ભગવાન આત્માનું જે પૂર્ણસ્વરૂપ એનું શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન અવલોકન કરે છે અને વાણી એને બતાવે છે. આમ શાસ્ત્રને વંદન કરતાં ત્રણ લીધાં છે. ભાવશ્રુતજ્ઞાનની પર્યાય ત્રિકાળીનું લક્ષ કરે છે ને? એમ કેવળજ્ઞાનની પર્યાય ત્રિકાળીને જાણે છે. પરને જાણે છે એ વાત અહીં ન લીધી. ત્રિકાળીને જાણતાં બધું જણાઇ જાય છે. (પોતાની જ્ઞાનપર્યાય પૂર્ણ પ્રગટ થઈ જાય છે). ત્યાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનો ભેદ રહેતો નથી. કળશટીકામાં આવે છે ને કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને પોતે જ જ્ઞેય; ત્રણેય અભેદ છે. એને અમારા નમસ્કાર છે એમ કહે છે.
ભાવાર્થઃ– અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચન રૂપ નમસ્કાર કર્યો છે. આશીર્વાદ કહો કૈ આશીર્વચન. વાદ એટલે વચન. લોકમાં આશીર્વાદ આપું છું એમ કહે છે ને? સરસ્વતીની મૂર્તિ નિત્ય પ્રકાશો એમ આશીર્વાદ કહ્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિને મોર ઉપર બેસાડી તેની પૂજા કરે છે તે યથાર્થ સ્વરૂપ નથી તેથી અહીં તેના યથાર્થ સ્વરૂપનું વર્ણન કર્યું છે.
જે સમ્યગ્જ્ઞાન છે એ જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. દ્રવ્યને અડીને જે જ્ઞાનપર્યાય થાય તે સમ્યગ્જ્ઞાન, તે સરસ્વતીની સાચી મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષભાસે છે. તે અનંતધર્મો સહિત આત્મતત્ત્વને - ચૈતન્યતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે. આત્માનું ચૈતન્યતત્ત્વ-ચૈતન્યપણું સર્વધર્મોમાં વ્યાપક છે. સર્વ ધર્મોમાં અને ગુણોમાં વ્યાપેલું એવું મહા ચૈતન્યસ્વરૂપ એ આત્મતત્ત્વનો અસાધારણ સ્વભાવ છે. શ્રુતજ્ઞાન તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે. (વેદનની અપેક્ષાએ જો કે શ્રુતજ્ઞાન આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે) કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે આટલો ફેર છે. તદ્અનુસાર શબ્દ પડયો છે ને? પોતામાં જે શ્રુતજ્ઞાન થાય છે તે ભગવાનના જ્ઞાન અનુસાર અને યથાર્થ તત્ત્વને અનુસરીને છે. તેથી તે પણ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે.