Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 4199

 

ભાગ-૧ ] ૨૩

દ્રવ્યશ્રુત વચનરૂપ છે, તે પણ સરસ્વતીની સાચી મૂર્તિ છે. નિમિત્ત છે ને? વચનો દ્વારા અનંત ધર્મોવાળા આત્માને બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે. તેથી સરસ્વતીનાં નામ વાણી, ભારતી, શારદા, વાગ્દેવી ઈત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ નિત્ય, અનિત્ય વગેરે અનંતધર્મોને સ્યાત્ પદથી એટલે કે કથંચિત્-કોઈ અપેક્ષાએ એક ધર્મોમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી; માટે ઉપરોક્ત સત્યાર્થ બતાવનારી જ્ઞાન-વચનરૂપ સરસ્વતી જ યથાર્થ છે એમ જાણવું.

હવે કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંતધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? ઉત્તરમાં પહેલાં સામાન્ય વસ્તુની (છયે દ્રવ્યોની) વાત કરી છે અને છેલ્લે આત્માની વાત લીધી છે. વસ્તુમાં સત્પણું એટલે હોવાપણું છે, વસ્તુપણું છે, પ્રમેયપણું છે, પ્રદેશપણું છે. ચેતનપણું છે, અચેતનપણું, મૂર્તિકપણું છે. જડની અપેક્ષાએ અચેતનપણું અને મૂર્તિકપણું કહ્યું છે. વળી અમૂર્તિકપણું છે, -એ ચેતન અચેતન બન્નેમાં છે, ઈત્યાદિ ધર્મ તો ગુણ છે. ભાષામાં ધર્મ એમ કહ્યું છે પણ આ ધર્મ એટલે ગુણની વાત છે. ગુણોમાં સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે. દરેક ગુણમાં ક્ષણે ક્ષણે પર્યાય થાય છે. એમ ગુણની સમયવર્તી ત્રણેકાળ પર્યાયો હોય છે, જે અનંત છે.

હવે ધર્મની વાત કરે છે. ધર્મ એટલે ધારી રાખેલી યોગ્યતા; ગુણ નહીં. (ગુણને ધર્મ કહેવાય, પરંતુ ધર્મને ગુણ ન કહેવાય.) ગુણ હોય તેને પર્યાય હોય. વસ્તુમાં એકપણું એ ગુણ નથી, પરંતુ ધર્મરૂપ લાયકાત છે એવી રીતે અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્ય ધર્મો તો વચનગોચર-વચનગમ્ય છે. પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનના વિષય નથી એવા પણ અનંત ધર્મો છે- જે જ્ઞાનગમ્ય છે, એટલે જ્ઞાનમાં જણાય એવા છે પણ વચન દ્વારા કથનમાં આવી શકે નહીં. અહીં સુધી સામાન્ય વાત કરી.

શિષ્યનો પ્રશ્ન તો આત્માનો હતો. આત્મામાં અનંત ધર્મો કહ્યા છે તો તે કયા કયા છે? અહીં સુધી તો વસ્તુની (દરેક પદાર્થની) સામાન્ય સ્થિતિ બતાવી. હવે આત્મા પણ એક વસ્તુ છે, તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે. આત્માના અનંતધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે; કેમકે બીજા અચેતન દ્રવ્યોમાં તે ગુણ નથી, અને આત્મામાં પણ સ્વપરને જાણવાની તાકાતવાળો બીજો એકેય ગુણ નથી. વળી સજાતીય જીવ દ્રવ્યો અનંત છે.