તેમનામાં જો કે ચેતનપણું છે, તો પણ સૌનું ચેતનપણું નિજ નિજ સ્વરૂપે જુદું જુદું છે; કેમકે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી દરેક દ્રવ્યના પ્રદેશો-ક્ષેત્ર ભિન્ન છે; કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંતધર્મોમાં વ્યાપક છે. જોયું? તત્ત્વ કહ્યું હતું ને? અનંત ધર્મો છે, તેમાં ચૈતન્યને મૂળતત્ત્વ કહ્યું છે. કેમકે અનંતધર્મોમાં ચેતનપણું વ્યાપક છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે. શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન દેખે છે અને વાણી દેખાડે છે. આ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માટે ‘સદા પ્રકાશરૂપ રહો’ એવું આશીર્વાદરૂપ વચન કહ્યું છે.
પ્રથમ કળશમાં માંગળિક કરતાં સર્વજ્ઞપણું સિદ્ધ કર્યું. ખરેખર તો જીવનો સર્વજ્ઞ સ્વભાવ છે. એ તેનું સ્વરૂપ છે. સર્વજ્ઞપણું પોતાની અનુભૂતિની ક્રિયાથી પ્રગટ થાય છે. ચૈતન્યતત્ત્વ-જ્ઞાયકભાવ પોતાના બધા ધર્મોમાં વ્યાપક છે. પ્રથમ કળશમાં સર્વજ્ઞસ્વરૂપ અને પ્રગટ સર્વજ્ઞપણું સિદ્ધ કર્યું. આત્મા સર્વજ્ઞસ્વભાવ કહેતાં પોતે જાણનાર-દેખનાર સ્વભાવ છે, એટલે અકર્તાપણું છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય અકર્તાપણાના નિર્ણયમાં થાય છે. દ્રવ્યની પર્યાય ક્રમસર થાય છે. એમાં આત્માનું કર્તૃત્વ નથી. ક્રમસર થાય એમાં કર્તૃત્વ શું? ક્રમબદ્ધપર્યાયમાં અકર્તાપણું અથવા અસ્તિથી જ્ઞાતાપણું જ સિદ્ધ કર્યું છે. જ્યાં પર વસ્તુની કે પોતાની રાગાદિ પર્યાયનું પણ કરવું નથી ત્યાં અકર્તાપણું અર્થાત્ જ્ઞાતાપણું છે. જ્ઞાતાપણાનો અનુભવ થવો એ સમ્યક્દર્શન છે. બીજા કળશમાં સર્વજ્ઞની વાણીને નમસ્કાર કર્યો છે. સર્વજ્ઞની વાણી પણ સર્વજ્ઞપણું સિદ્ધ કરે છે, પરનું અકર્તાપણું બતાવી જ્ઞાતાપણું સિદ્ધ કરે છે.