સમયસાર ગાથા-૨૯૭ ] [ ૪૩૧ વીતરાગી પર્યાયપણે થાય. પણ આ શુભાશુભ રાગનો વિસ્તાર તે કાંઈ મારો વિસ્તાર નથી, તે મારી અવસ્થા નથી; માટે એ વ્યવહારરૂપ ભાવો બધાય મારાથી અત્યંત ભિન્ન છે.
અહા! ભગવાનનું નામ-સ્મરણ કરવું, ભગવાનનાં દર્શન-સ્તુતિ-ભક્તિ-પૂજા કરવાં એ બધા વ્યવહારના ભાવ છે. એ વિકલ્પો કાંઈ ચેતક-ચેતનાર આત્માની દશા નથી. વ્યવહાર-રાગ હોય છે ખરો, ધર્મીને પણ હોય છે. ચેતનારો ચેતક એને પોતાના સ્વભાવ-સામર્થ્યથી જાણે છે. ત્યાં એ વ્યવહાર છે માટે એને જાણે છે એમે નહિ; પણ આ હું ચેતનારો છું એમ જાણતાં, ધર્મી તે કાળે પોતાથી પોતામાં પોતાનાં કારણે સ્વપરને પ્રકાશનારી જ્ઞાનની દશાએ પરિણમે છે. આનું નામ તે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. ગાથા ૧૨ માં આવ્યું ને? કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે-તે આ. સમજાણું કાંઈ...?
હવે કહે છે- ‘માટે હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી, “હું ગ્રહણ કરું છું” એટલે ‘હું ચેતું જ છું;’
જોયું? હું જ-એ કર્તા, મારા વડે જ-એ સાધન, મારા માટે જ-એ સંપ્રદાન, મારામાંથી જ-એ અપાદાન અને મારામાં જ-એ આધાર;-આ પ્રમાણે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણ એ છ કારકોથી હું મને જ ગ્રહણ કરું છું એમ કહે છે. આત્માની ચેતના જ એટલે ધર્મની નિર્મળ વીતરાગી દશા થઈ તે જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું એટલે હું ચેતું જ છું એમ અર્થ છે.
શું કહે છે? કે હું જ કર્તા છું; મારી ચેતવારૂપ વીતરાગી દશાનો કર્તા કોઈ બાહ્ય નિમિત્ત કે વ્યવહાર નથી. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ ઉઠે છે તે મારી નિર્મળ પર્યાયનો કર્તા નથી. પ્રજ્ઞાબ્રહ્મ એવો હું જ એનો કર્તા છું. રાગાદિ તો મારાથી અત્યંત ભિન્ન છે. આ પ્રમાણે ધર્મી પુરુષ, વીતરાગી નિર્મળ પર્યાય તે મારું વ્યાપ્ય અને હું એનો વ્યાપક કર્તા છું એમ જાણે છે. પણ નિર્મળ રત્નત્રય વ્યાપ્ય અને વ્યવહાર રત્નત્રય વ્યાપક એમ છે નહિ. અહા! વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ છે નહિ.
વળી તે ધર્મની નિર્મળ વીતરાગી પર્યાયનું સાધન પણ વીતરાગસ્વભાવી આત્મા પોતે જ છે. ‘મારા વડે જ’ એમ લીધું છે ને? એટલે કે ચિદ્રૂપ એવો હું જ સાધન-કરણ છું, પણ વ્રતાદિ વ્યવહાર કાંઈ નિર્મળ પર્યાયનું સાધન નથી. અહા! ચેતનાર એવા મારા વીતરાગ ભાવ (-ગુણ) વડે જ વીતરાગ ભાવ (-પર્યાય) થયો છે, રાગ કે નિમિત્ત વડે વીતરાગ ભાવ થયો નથી. કર્તાનું કરણ કર્તાથી અભિન્ન જ હોય. તેથી ચેતનારો એવો હું જ એની ચેતવારૂપ નિર્મળ દશાનો કર્તા અને કરણ છું જુઓ બધે ‘જ’ મૂકીને (સમ્યક્) એકાન્ત કર્યું છે.