૪૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પોતાને જાણે નહિ, પરને જાણે નહિ; પણ આત્મા વડે જણાય છે તેવા છે માટે તેઓ જડ છે. આટલી તો સ્પષ્ટતા કરી છે. પોતે પોતા વડે જણાતા નથી માટે તેઓ જડ છે.
અહા! પાપ ભાવો તો અચેતન જડ છે જ; પરંતુ પુણ્ય ભાવો-દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતનો રાગ ને શાસ્ત્ર ભણવાનો ભાવ ઇત્યાદિ વ્યવહારરત્નત્રયના ભાવો-પણ અચેતન જડ છે એમ વાત છે કેમકે એનામાં ચૈતન્યલક્ષણ નથી. ભાઈ! કોઈપણ રાગ જાણવાલાયક છે, પણ આદરવા લાયક નથી. આ ન્યાય છે. જેવું જડચેતનનું સ્વરૂપ છે એને એ રીતે જાણવું એ ન્યાય છે.
અરે! એને સંસાર-પરિભ્રમણમાં અનંતકાળ ગયો. એમાં અનંતવાર એણે નગ્ન દિગંબર અવસ્થા ધારી મુનિવ્રત અંગીકાર કર્યાં. પણ અરે! એણે સત્યને ન્યાયથી સમજીને કદી લક્ષમાં લીધું નહિ! છહઢાલામાં આવે છે ને કે-
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયૌ.”
આનો અર્થ જ એ થયો કે બહારનું દ્રવ્યલિંગ એ કાંઈ જૈનના સાધુનું વાસ્તવિક (નિશ્ચય) લક્ષણ નથી. અટ્ઠવીસ મૂલગુણ આદિનો શુભરાગ તે આત્માના ચૈતન્યલક્ષણથી રહિત છે. માટે એનાથી સ્વભાવની પ્રાપ્તિ થવી સંભવિત નથી. ભાઈ! ચૈતન્યલક્ષણથી શૂન્ય એવા શુભરાગથી-વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ ન થાય. વિકારથી નિર્વિકારી દશા ન થાય. શોધ ભાઈ! તારી ભૂલ શોધ બાપુ! અનંતવાર મુનિપણાં લીધાં તોય સમકિત ન થયું તો આ વીતરાગની વાતને ન્યાયથી સમજી ભૂલ મટાડી દે. આ તો દિવા જેવી સ્પષ્ટ વાત છે કે-
‘હું તો માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું.’ ચૈતન્યમાં જ્ઞાન ને દર્શન બેય લેવા. માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું-એમ ‘જ’ કહીને સમ્યક્ એકાન્ત કર્યું છે. કથંચિત્ રાગ છું ને કથંચિત્ ચૈતન્ય છું એમ નહિ, શુદ્ધ ચૈતન્ય જ છું. જુઓ, આ ધર્મી પુરુષની દ્રષ્ટિ!
હવે કહે છેઃ- ‘કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી.’
શું કીધું? પરભાવો તો મારાથી ભિન્ન છે જ; પરંતુ ચૈતન્યની પરિણતિ-અવસ્થા, એના જે ષટ્કારકો છે એ પણ હું નથી. ચેતન પરિણતિનો કર્તા ચેતન પરિણતિ, ચેતન પરિણતિ પોતે કર્મ, ચેતન પરિણતિનું સાધન ચેતન પરિણતિ ઇત્યાદિ આવા પર્યાયના અભિન્ન છ કારકના ભેદો છે ખરા, પણ તે મારામાં નથી.
બીજી વાતઃ- હું પોતાથી છું, પરથી નથી; હું દ્રવ્યે નિત્ય છું, અવસ્થાએ