સમયસાર ગાથા-૨૯૭ ] [ ૪૪૧ અનિત્ય છું; વસ્તુપણે હું એક છું, ભેદ અપેક્ષાએ અનેક છું-એવા અપેક્ષિત ધર્મો કથંચિત્- વ્યવહારથી હોય તો ભલે હોય પણ શુદ્ધ ચૈતન્યમાત્ર એવા મારામાં નિશ્ચયે કોઈ ભેદ નથી. અહીં ધર્મ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મની વાત નથી, તેમ જ ગુણની પણ વાત નથી, પણ અપેક્ષિત સ્વભાવોને અહીં ધર્મ કહ્યા છે. સત્ નામ પોતાથી છે, અસત્ નામ પરથી નથી-આવા વસ્તુના અપેક્ષિત સ્વભાવને અહીં ધર્મ કીધો છે. એને પર્યાય હોતી નથી, ગુણો વસ્તુમાં ત્રિકાળ હોય છે અને એને પર્યાય હોય છે. આ પ્રમાણે ગુણ અને ધર્મમાં ફેર છે. એક અને અનેક ગુણ પણ છે. સમયસારમાં ૪૭ શક્તિના વર્ણનમાં આ બન્નેને ગુણોમાં લીધા છે. પણ અહીં એક, અનેક અપેક્ષિત ધર્મની વાત લેવી છે.
હવે ત્રીજી વાતઃ- જ્ઞાન, દર્શન આદિ ગુણો આત્મામાં ત્રિકાળ છે. જ્ઞાનગુણ, દર્શનગુણ, આનંદગુણ, અસ્તિત્વગુણ, પ્રભુત્વગુણ, કર્તા, કર્મ, કરણ આદિ છ ગુણ ઇત્યાદિ અનંતગુણ આત્મામાં ત્રિકાળ છે. એની વર્તમાન પર્યાય પણ હોય છે. જ્ઞાનગુણને જ્ઞાનગુણના લક્ષથી જોવામાં આવે તો તે છે, પણ શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં એવા ગુણભેદ નથી-એમ કહે છે.
શું કહે છે? છ કારકના ભેદો, સત્-અસત્ આદિ ધર્મભેદો તથા જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જાણવા માટે હો તો ભલે હો, પરંતુ આદરવા માટે એ કોઈ ભેદો નથી. અહા! ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન એના વિષયરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં આ કોઈ ભેદો નથી. અહીં શુદ્ધ ચૈતન્યમાત્ર કહીને બધા ભેદો કાઢી નાખ્યા છે. અહો! આવો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ એક સમ્યગ્દર્શનનો વિષય છે, ધ્યેય છે.
તેથી કહે છે- ‘આમ શુદ્ધનયથી અભેદરૂપ આત્માને ગ્રહણ કરવો.’ આ અભેદ છે એટલો ભેદ-વિકલ્પ પણ નહિ, પણ દ્રષ્ટિ અભેદ-એકમાં અંદરમાં જાય છે એને અભેદ કહે છે. આ દ્રષ્ટિ અને આ દ્રષ્ટિનો વિષય એમ ભેદ નહિ પણ દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય ઉપર રહે તે અભેદની દ્રષ્ટિ છે અને એ રીતે અભેદ એક આત્માનું ગ્રહણ થાય છે. આ સામાન્ય અભેદ છે એમ વિકલ્પ નહિ, પરંતુ પર્યાય પર તરફ ઝુકતી હતી તે અંદર અભેદ એક સામાન્ય તરફ ગઈ તેને અભેદનો અનુભવ કહેવામાં આવે છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ છે. બાકી તો બધાં થોથાં છે.
કારક ભેદો, ધર્મભેદો અને ગુણભેદોને જાણવા તે અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય છે અને વ્યવહારરત્નત્રયને જાણવો તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય છે. શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુને અનુભવવી તે શુદ્ધનય છે.