સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪૪૯ અર્થાત્ પોતાને શુદ્ધ એક દર્શનમાત્રભાવરૂપે તેમ જ જ્ઞાનમાત્રભાવરૂપે અનુભવવો આ રીતે અભેદના અનુભવને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહે છે.
‘આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. “ગ્રહણ કરવું”-એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની-લેવાની નથી; ચેતનાનો અનુભવ કરવો, તે જ આત્માનું “ગ્રહણ કરવું” છે.’
સત્ ચિત્ જે આત્મા તે વસ્તુ, એનો ત્રિકાળી જે ચૈતન્યભાવ તે સ્વભાવ; એની સન્મુખ થઈ વર્તમાનમાં આ ચૈતન્યમાત્ર ભાવ તે હું-એમ અનુભવવો એનું નામ આત્માનું ‘ગ્રહણ કરવું’ છે. ચિત્ એ દ્રવ્ય-સ્વભાવ, ચેતના એ ગુણસ્વભાવ અને અનુભવ કરવો તે પર્યાયસ્વભાવ-એમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે આવી ગયાં. અહા! જેને ધર્મ કરવો છે અર્થાત્ સુખી થવું છે તેણે નિમિત્ત, રાગ ને ભેદની દ્રષ્ટિ દૂર કરીને, એ સર્વથી વિમુખ થઈ અભેદ એક ચૈતન્યમાત્ર આત્મામાં જ દ્રષ્ટિ એકાગ્ર કરવી જોઈએ. ભાઈ! આ જ એક માર્ગ છે; બાકી બધાં થોથાં છે.
આ પહેલાં ગાથા ૨૯૭ના ભાવાર્થમાં આવી ગયું કે-જેનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો લક્ષ્ય એવા આત્માથી ભિન્ન છે. અહા! આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ અથવા હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિના અશુભભાવ-એ સર્વ ભાવ ચૈતન્યથી રહિત હોવાથી ભગવાન આત્માથી ભિન્ન છે. ભિન્ન છે એટલે શું? કે એનાથી અંતર-અનુભવ, શુદ્ધ આત્માનો અનુભવ ન થાય, અર્થાત્ તેઓ આદરણીય નથી. વ્યવહારના શુભભાવ આદરણીય નથી. વ્યવહાર હોય ખરો, પણ તે આદરણીય નથી. જે ચૈતન્યસ્વભાવ નથી તે વિભાવ છે, અને વિભાવ સ્વભાવનું સાધન કેમ હોય? ન હોય. માટે શુભભાવ ધર્મનું સાધન નથી. જેમ અગ્નિનો ત્રિકાળ ઉષ્ણસ્વભાવ છે, સાકરનો મીઠાશ કાયમી સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો ત્રિકાળ ચૈતન્યસ્વભાવ છે. અહા! આવા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ કરવો તે ધર્મ છે. વ્યવહાર રત્નત્રયનો રાગ હો ભલે, પણ એ ધર્મ નથી. આવી સૂક્ષ્મ વાત!
અહીં તો નિર્મળ કારકોના ભેદને પણ દૂર કરે છે. અહા! ચૈતન્યની નિર્મળ પર્યાય કર્તા, નિર્મળ પર્યાય કર્મ, નિર્મળ પર્યાય કરણ ઇત્યાદિ ષટ્કારકના પરિણમનમાં લક્ષ જાય તે વ્યવહાર છે. ભેદ પડે છે ને? માટે એ વ્યવહાર છે. એ ભેદનું લક્ષ છોડી ચૈતન્યપ્રકાશનો પુંજ એવા અભેદ એક શુદ્ધ અંતઃતત્ત્વની દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે અને એનો એ સૌ પહેલામાં પહેલો ધર્મ છે. પહેલું શું કરવું એમ પૂછે છે ને? પહેલું આ કરવું એમ વાત છે.