Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2930 of 4199

 

૪પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

હવે કહે છે- ‘પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં, અનુભવ કરનાર, જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે-ઇત્યાદિ કારકભેદરૂપે આત્માને કહીને, અભેદવિવક્ષામાં કારકભેદનો નિષેધ કરી, આત્માને એક શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો હતો.’

પ્રથમ છ કારકના ભેદ પાડી સમજાવ્યું હતું, પછી ભેદનો નિષેધ કરી અભેદનો અનુભવ કરાવ્યો. કેમકે ભેદની દ્રષ્ટિમાં અભેદનો અનુભવ થતો નથી, તેથી ભેદને ગૌણ કરી અભેદની-શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુની દ્રષ્ટિ કરાવી.

‘હવે આ બે ગાથાઓમાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતનાસામાન્ય દર્શનજ્ઞાનવિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ, છ કારકરૂપ ભેદ-અનુભવન કરાવી. પછી અભેદ-અનુભવનની અપેક્ષાએ કારકભેદ દૂર કરાવી, દ્રષ્ટા-જ્ઞાતામાત્રનો અનુભવ કરાવ્યો છે.’

અહા! વીતરાગ જૈનદર્શનમાં એક વીતરાગભાવ જ ધર્મ છે. એ વીતરાગભાવ કેમ પ્રગટ થાય? તો કહે છે કે-આત્મા ત્રિકાળી સત્ શાશ્વત્ શુદ્ધ સદા ચૈતન્યસ્વરૂપ છે. એને ભેદથી કહીએ તો તે દર્શનજ્ઞાનસ્વભાવી છે, જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ છે. માટે દર્શન- જ્ઞાનસ્વભાવી આત્માને જાણી અંતરમાં અભેદ એક આત્મસ્વરૂપનો અનુભવ કરવો તે ધર્મ છે. આ વાત હવે ટીકામાં વિશેષ સમજાવે છેઃ-

* ટીકાઃ હવેના અંશ ઉપરનું પ્રવચન *

‘અહીં પ્રશ્ન થાય છે કે-ચેતના દર્શનજ્ઞાનભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે?’

જુઓ, આ પ્રશ્ન! એમ કે આત્મા ચેતનદ્રવ્ય વસ્તુ, અને એનો સ્વભાવ ચેતનાગુણ-તે દર્શનજ્ઞાન ભેદોનું ઉલ્લંઘન કેમ કરતો નથી? અર્થાત્ ચેતના એકરૂપ કેમ નહિ? ચેતના બેરૂપ કેમ? જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા થાય છે તે ચેતનામાં બે સ્વભાવપણું કેમ? તેનો ઉત્તર કહેવામાં આવે છેઃ-

‘પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે.’ શું કીધું? કે ચેતનામાં જગતની ચીજો સામાન્યવિશેષપણે પ્રતિભાસે છે. એટલે શું? કે ચેતનામાં જગતની ચીજો સામાન્ય (અભેદપણે) દેખાય છે અને વિશેષ (ભેદપણે) જણાય છે. સમજાણું કાંઈ...? અહીં એમ કહે છે કે-આત્મા એક વસ્તુ છે, ચેતના એનો સ્વભાવ-ગુણ છે. એની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ એટલે કે સામાન્ય દેખવાપણું ને વિશેષ જાણવાપણું થાય છે. અહાહા...! જેટલી ચીજો સામે હોય તેનું ચેતનામાં સામાન્ય અને વિશેષપણે દેખવા-જાણવાપણું થાય છે.