Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2931 of 4199

 

સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪પ૧

આથી, ‘તે ચેતના દ્વિરૂપતાને અર્થાત્ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેનાં જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે. માટે તે તેમને ઉલ્લંઘતી નથી.’

જોયું? સર્વ વસ્તુઓ એટલે બધા આત્મા ને જડ દ્રવ્યો, દ્રવ્ય તરીકે વસ્તુપણે સામાન્ય છે અને ગુણપર્યાયપણે વિશેષ છે. આ રીતે પ્રત્યેક વસ્તુનો સામાન્ય-વિશેષ સ્વભાવ છે. તે સમસ્ત વસ્તુઓનો જ્ઞાનદર્શનની પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આ પ્રમાણે આત્મામાં ચેતના સ્વભાવ સામાન્યપણે દર્શન અને વિશેષપણે જ્ઞાન એમ બે-રૂપે છે. અહા! સમસ્ત વસ્તુઓને પ્રતિભાસનારાં દર્શન અને જ્ઞાન એ ચૈતન્યમય આત્માનો સ્વભાવ છે, માટે ચેતના તેમને ઉલ્લંઘતી નથી. હવે કહે છેઃ-

‘જો ચેતના દર્શન-જ્ઞાનને ઉલ્લંઘે તો સામાન્યવિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય (અર્થાત્ ચેતનાનો અભાવ થાય.) .’

શું કીધું? કે જો ચેતનામાં સામાન્ય ને વિશેષરૂપ પ્રતિભાસવાની શક્તિ જ ન હોય અર્થાત્ દેખવા-જાણવારૂપ શક્તિ જ ન હોય તો ચેતનાનો અભાવ થઈ જાય. તેના અભાવમાં બે દોષ આવે-

૧. ‘પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડે, અથવા

૨. વ્યાપકના (-ચેતનાના) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય.’

જુઓ, આ ન્યાય આપ્યો. ન્યાયમાં ‘नी’ (नय्) ધાતુ છે; એટલે કે જેવી વસ્તુ છે એ તરફ (તેવી જાણવારૂપ) જ્ઞાનને દોરી જવું તેને ન્યાય કહે છે. શું કહે છે? કે ચેતના જ્ઞાન અને દર્શન બેપણે ન હોય તો ચેતના ગુણનો અભાવ થઈ જાય અને ગુણનો અભાવ થતાં, જેમ સાકરમાં મીઠાશનો નાશ થતાં સાકરનો નાશ થઈ જાય તેમ આત્માનો નાશ થઈ જાય; અર્થાત્ ચેતનને અચેતનપણું આવી પડે.

જો ચેતના ગુણનો અભાવ થઈ જાય તો વ્યાપક ચેતનાના અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો અભાવ થાય. જુઓ, ચેતના ગુણ તે વ્યાપક એને આત્મા વ્યાપ્ય છે. અહીં આત્મા વ્યાપક અને પર્યાય તેનું વ્યાપ્ય એ વાત નથી લેવી. ગુણ વ્યાપક ને ત્રિકાળી દ્રવ્ય-આત્મા તે વ્યાપ્ય એમ અહીં કહેવું છે; કેમકે ગુણ આત્મામાં વ્યાપીને કાયમ રહે છે ને? માટે ચેતના ગુણ વ્યાપક અને આત્મા વ્યાપ્ય એમ કહ્યું છે. અહા! ત્રિકાળ જ્ઞાતા- દ્રષ્ટા સ્વભાવ તે વ્યાપક થયો ને આત્મા એનું વ્યાપ્ય થયું. હવે વ્યાપક એવા ચેતનાનો- જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનો અભાવ થાય તો વ્યાપ્ય એવો આત્મા જ ન રહે-આમ દોષ-આપત્તિ આવી પડે.