૪પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
‘માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી.’ કહે છે-ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ એમ બે-રૂપ યથાર્થ જાણીને અભેદ એક જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનો અનુભવ કરવો, અને રાગ ને પર્યાયનું લક્ષ છોડવું. આનું નામ નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે એમ ભગવાન કહે છે.
અરે! લોકો તો બિચારા સંસારમાં ધંધા-વેપાર આદિથી નવરા જ પડતા નથી. આખો દિ’ એકલા પાપમાં રચ્યાપચ્યા રહે છે. એવા જીવોને કદાચિત્ બે-પાંચ કરોડ એકઠા થઈ જાય તોય શું? તેઓ બિચારા જ છે, રાંકા-ભિખારા જ છે. શાસ્ત્રમાં આવા જીવોને ‘वराकाः’ વરાકા કહ્યા છે.
આટલા બધા પૈસા હોય તોય? હા, તોય; કેમકે અંદર પોતે ચૈતન્યલક્ષ્મી જ્ઞાનાનંદની લક્ષ્મીનો પૂરણ ભંડાર છે એનું એને ક્યાં ભાન છે? અહા! પોતાની સ્વરૂપલક્ષ્મીના ભાન વિના બહારમાં ધનાદિ વૈભવનો ગમે તેટલો સંયોગ હોય તે શું કામનો? અંદર સંતોષ ને તૃપ્તિ તો છે નહિ. લાવ-લાવ-લાવ એમ વૃત્તિમાં તો તૃષ્ણા જ રહ્યા કરે છે. માટે તેઓ રાંકા-વરાકા જ છે. સમજાણું કાંઈ...?
અરે! આ પૈસા મારા ને હું તે કમાયો એવી મમતા કરી કરીને જીવો બિચારા મરી જાય છે (દુઃખી થાય છે).
એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ જૈનમાં જન્મેલા છતાં અંબાજીને ખૂબ માનતા; એમ કે આ ધનસંપત્તિ અંબાજીથી મળી છે. અરે ભાઈ! લક્ષ્મી આદિ સંયોગ તો પૂર્વે જે શુભભાવ કર્યા હતા અને તે કાળે જે શુભબંધ પડયો હતો તે ઉદયમાં આવતાં સંયોગરૂપે મળે છે. એ કાંઈ કોઈની (માતા વગેરેની) માનતા કરવાથી મળે છે એમ નથી. ભાઈ! કોઈનીય માનતા કરવાથી લક્ષ્મી મળે છે એ માન્યતા જૂઠી છે અને તે વડે એને મિથ્યાત્વાદિનો જ બંધ પડે છે.
વળી લક્ષ્મી આદિના સંયોગથી આને કાંઈ લાભ થાય છે એમેય નથી, ઉલટું એ સંયોગ વડે આને નુકશાન જ થાય છે કેમકે એ સંયોગના લક્ષે આને રાગ-દ્વેષાદિ જ થાય છે અને તે દુઃખરૂપ અને દુઃખના કારણરૂપ જ છે.
વળી ખરેખર, પૈસા મળતાં પૈસા કાંઈ એને મળે છે એમ નથી. પૈસા તો જડ છે; એ જીવને કેવી રીતે મળે? જીવને તો એની મમતા મળે છે અને એની મમતાનો ભાવ એને દુઃખરૂપ જ છે. હવે આમાં શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે.
અરે! અનંતકાળમાં એણે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો એક ક્ષણ પણ અનુભવ કર્યો નહિ. એણે નિરંતર રાગદ્વેષાદિનું જ વેદન કીધા કર્યું. અહા! એને ક્ષુદ્રભવો